04 February, 2026 10:43 AM IST | vadodara | Gujarati Mid-day Correspondent
ભગવાન બુદ્ધના અવશેષોની શોભાયાત્રા નીકળી હતી.
વડોદરામાં રહેલા ભગવાન બુદ્ધના અવશેષોને ગઈ કાલે શ્રીલંકા મોકલાયા હતા. મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ઑફ બરોડામાં સચવાયેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો આજે શ્રીલંકાના નૂતન વર્ષે કોલંબો પહોંચશે જ્યાં યોજાનારા બુદ્ધિસ્ટ સંમેલનમાં એને દર્શન માટે મૂકવામાં આવશે.
ગુજરાતથી સિંહોના વતન સિંહલવ્દીપ પ એવા શ્રીલંકામાં ભગવાન બુદ્ધના અવશેષો ધાર્મિક વિધિ કરીને સન્માન સાથે મોકલવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર અવશેષો યુનિવર્સિટીના સંગ્રહાલયમાં રખાયા હતા ત્યાં જઈને ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બુદ્ધ સાધુઓએ મંત્રોનું ગાન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ સહિતનાં મહાનુભાવો પવિત્ર અવશેષોને બહાર લાવ્યા હતા એમાં બુદ્ધિસ્ટ સંતો તેમ જ રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ જોડાયાં હતાં. વડોદરા પોલીસે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું અને ત્યાર બાદ એક વાહનમાં અવશેષો મૂકીને શોભાયાત્રા નીકળી હતી. અવશેષોને ફ્લાઇટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં આજથી ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલનારા કાર્યક્રમમાં દર્શનાર્થે મૂકવામાં આવશે.
ભગવાન બુદ્ધનાં અસ્થિ સહિતના આઠમી સદીના પવિત્ર અવશેષો MS યુનિવર્સિટી ઑફ બરોડામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ૨૦૨૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકા ગયા હતા ત્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધુ ઘનિષ્ઠ કરવા માટે સહમતી સાધવામાં આવી એના ભાગરૂપે બુદ્ધ ધર્મની બહુમતી ધરાવતા શ્રીલંકામાં આ અવશેષો એના નૂતન વર્ષે મોકલવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં આવેલા યાત્રાધામ શામળાજી પાસે દેવની મોરી તરીકે ઓળખાતા ટેકરા પર ઉત્ખનન દરમ્યાન આ અવશેષો મળી આવ્યા હતા. MS યુનિવર્સિટી ઑફ બરોડાના પ્રો. એસ. એન. ચૌધરી દ્વારા ૧૯૫૭માં આ વિસ્તારને ઓળખવામાં આવ્યો હતો. ભોજરાજાનો ટેકરો સહિતના આસપાસના વિસ્તારોમાં ૧૯૬૦ બાદ તબક્કાવાર ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને એમાં અહીં બુદ્ધવિહાર હોવાનું ફલિત થયું હતું.