ગુજરાતમાં વરસાદનું તાંડવ

30 September, 2021 12:41 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં નદી, નાળાં, તળાવો અને ડૅમ છલકાયાંઃ રાજ્યમાં ૧૭૮ રસ્તાઓ બંધ, અમરેલી જિલ્લામાં અધિકારીઓ–કર્મચારીઓને હેડક્વૉર્ટર્સ નહીં છોડવા આદેશ

ભારે વરસાદના કારણે ડાંગ જીલ્લામાં ભેખડો અને વૃક્ષો રસ્તાઓ પર ધસી પડતા રસ્તા બ્લોક થઇ ગયા હતા. જોકે વહીવટીતંત્ર દ્વારા તાકીદે અડચણો હટાવીને રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા હતા.

ગુજરાતમાં આ વર્ષે ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતા નદી, નાળાં, તળાવો અને ડૅમ છલકાયાં હતાં તો વરસાદના કારણે ગુજરાતમાં ૧૭૮ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે તો વરસાદની આગાહીના કારણે અમરેલી જિલ્લામાં ઑફિસરો અને કર્મચારીઓને હેડક્વૉર્ટર્સ નહીં છોડવાનો આદેશ કરાયો છે.
૮૧ તાલુકાઓમાં અેકથી પોણાછ ઇંચ વર્ષા
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૮ વાગ્યા સુધીમાં ૧૮૦ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો જે પૈકી ૮૧ તાલુકાઓમાં ૧ ઇંચથી પોણાછ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી, ભરૂચ, ભાવનગર, નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં ૧૯૧ મિમી એટલે કે પોણાઆઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના લીલિયામાં સાડાપાંચ ઇંચ, અમરેલીના જાફરાબાદ તેમ જ ભરૂચ જિલ્લાના ભરૂચમાં સાડાપાંચ ઇંચ જેટલો, અમરેલી જિલ્લાના અમરેલી અને રાજુલા, ભાવનગર જિલ્લાના જેસરમાં ૪ ઇંચ જેટલો, ભાવનગરના પાલિતાણા અને ગારિયાધારમાં સવાત્રણ ઇંચ, ભાવનગરના તળાજામાં ૩ ઇંચ, ભરૂચના વાગરા અને હાંસોટ તેમ જ ભાવનગરમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડતાં નદી, નાળાં, તળાવો અને ડૅમ છલકાયાં હતાં. સાંજે ૪ વાગ્યા સુધીમાં ૫૮ તાલુકાઓમાં ૧થી સાડાચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
ભરૂચમાં ફુરજા બજાર, ઇન્દિરાનગર, કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં જ્યારે અંકલેશ્વર-સુરતના હાઇવે પર વરસાદી પાણી ફરી વળતાં થોડા સમય માટે આ હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
તળાવનું પાણી ઘરોમાં ઘૂસ્યું
ભાવનગરમાં બોર તળાવ ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીઓમાં તળાવનાં પાણી ઘૂસી ગયાં હતાં. બોટાદના અન્ડરપાસમાં એક સ્કૂલ-બસ ફસાઈ ગઈ હતી. જોકે બસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યાં હતા. ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડૅમના ૯ દરવાજા ખોલાયા હતા જ્યારે તાપીના ઉકાઈ ડૅમમાંના ૧૫ દરવાજા ખોલીને પાણી છોડાયું હતું. વલસાડ જિલ્લાના મધુબન ડૅમ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા મધર ઇન્ડિયા ડૅમ, પોરબંદરના બરડાના ડુંગરમાં આવેલા ફોદાળા ડૅમ, પાલિતાણા પાસે આવેલા ક્ષેત્રુંજય ડૅમ, રાજકોટ પાસેના ભાદર–૧ ડૅમમાં નવા નીરની આવક થતાં આ ડૅમોના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું.
રાજ્યમાં વાહનવ્યવહાર માટે ગઈ કાલે બંધ થયેલા માર્ગોમાંથી વલસાડના ૨૯, નવસારીના ૨૪, રાજકોટના ૨૧, સુરતના ૧૯, વડોદરાના ૧૫, ભરૂચના ૧૨, નર્મદા જિલ્લાના ૧૧ માર્ગોનો સમાવેશ હતો.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વૉર્ટર્સ નહીં છોડવા વહીવટી તંત્રએ સૂચના આપી છે અને ૨૪ કલાક 
કન્ટ્રોલ-રૂમ કાર્યરત કરાયો છે. 

gujarat news Gujarat Rains gujarat shailesh nayak