સાપુતારાથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી બની રહ્યો છે પ્રવાસન પથ

11 June, 2026 09:43 AM IST  |  vadodara | Gujarati Mid-day Correspondent

આ રોડ અંતર્ગત ૨૯.૫૦ કિલોમીટરના રોડને પહોળો તેમ જ મજબૂત કરવાના કામનો તાપી જિલ્લામાં થયો પ્રારંભ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

ગુજરાતમાં આવેલા સાપુતારાથી સ્ટૅચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસન પથ બની રહ્યો છે જેમાં કેટલાક હયાત માર્ગનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ રોડ અંતર્ગત તાપી જિલ્લામાં ૨૯.૫૦ કિલોમીટરના રોડને પહોળો અને મજબૂત કરવાના કામનો પ્રારંભ થયો છે.

દક્ષિણ ગુજરાતના પ્રવાસનના વિકાસ માટે અને અંતરિયાળ વિસ્તારોના આર્થિક-સામાજિક ઉત્થાન માટે ગુજરાત સરકાર દ્વારા સાપુતારાથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં બોરદા, સાતકાશી, શેરુલ્લા રોડને પહોળો અને મજબૂત કરવાના કામને મંજૂરી આપી દેવામાં આવી છે. ૪૫.૪૨ કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ માર્ગ દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટીમાં સીમાચિહ‍્ન સાબિત થશે. હાલમાં આ રોડની પહોળાઈ ૭.૫૦ મીટર છે જેને વધારીને ૧૦ મીટર કરવામાં આવી રહી છે. આ રસ્તો ઢોળાવવાળા તેમ જ વળાંકવાળા ડુંગરાળ વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી વાહનચાલકોની સુરક્ષા માટે જરૂરી કર્વ-ઇમ્પ્રૂવમેન્ટ કરવામાં આવશે તથા આ રસ્તાની સાઇડે પ્રોટેક્શન-દીવાલ તેમ જ ક્રૅશ-બૅરિયર અને રોડ-સાઇનેજ લગાવવામાં આવશે.

આ રસ્તો સ્ટૅચ્યુ ઑફ યુનિટીથી લઈને શબરીધામ થઈ સાપુતારા સુધીના રસ્તાને જોડતી અગત્યની કડી બની રહેશે. આ રોડ બનવાથી સાપુતારા સહિતનાં પર્યટન અને ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓની અવરજવરમાં મોટો વધારો થશે. આ ઉપરાંત સ્થાનિક અંતરિયાળ ગામોને પણ લાભ મળશે. સોનગઢ, ઉકાઈ અને સાગબારા તાલુકાઓને જોડતો આ રાજ્ય ધોરીમાર્ગ બનવાને કારણે સ્થાનિક લોકોને એકથી બીજા સ્થળે જવા આવવા માટે સુગમ થઈ પડશે.  

gujarat government gujarat news statue of unity travel travel news