21 January, 2026 10:10 AM IST | Vadtal | Gujarati Mid-day Correspondent
શિક્ષાપત્રી લખતા સ્વામીનારાયણ ભગવાનનું ચિત્ર.
સ્વામીનારાયણ ભગવાને ગુજરાતના વડતાલમાં બેસીને શિક્ષાપત્રી લખી હતી એને વસંતપંચમીએ ૨૦૦ વર્ષ પૂરાં થશે. આ પ્રસંગે વડતાલમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં આજથી ૨૩ જાન્યુઆરી સુધી ત્રણ દિવસ દરમ્યાન વસંતપંચમીનો સમૈયો અને શિક્ષાપત્રી જયંતી મહોત્સવની ઉજવણી થશે.
વડતાલ સ્વામીનારાયણ મંદિરના શ્યામવલ્લભ સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડતાલ સ્વામીનારાણ સંપ્રદાયનું મુખ્ય તીર્થસ્થાન છે. સ્વામીનારાયણ ભગવાને વડતાલમાં સંવત ૧૮૮૨ની મહા સુદ પાંચમે હરિમંડપમાં બેસીને શિક્ષાપત્રી લખી હતી જેમાં ૨૧૨ શ્લોક છે. શિક્ષાપત્રીને આ વસંતપંચમીએ ૨૦૦ વર્ષ પૂરાં થશે. સ્વામીનારાયણ ભગવાને સંસ્કૃત ભાષામાં શિક્ષાપત્રી લખી હતી. એ પછી એનું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, તામિલ, કન્નડા સહિત ૧૫ કરતાં વધુ ભાષાઓમાં ભાષાંતર થયું છે. સ્વામીનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે જેમાં સદાચાર, અહિંસા, સર્વજીવ હિત પર ભાર મુકાયો છે અને એમાં માનવજીવનનાં મૂલ્યો લખ્યાં છે. આ ઉપરાંત એમાં આચાર્ય, સંત, પાર્ષદો, બ્રહ્મચારીઓ તથા સત્સંગીઓ માટે પાળવાના નિયમો છે. વડતાલ ઉપરાંત અમદાવાદ, ભુજ, મુળી જેવાં મંદિરો તેમ જ વિદેશમાં આવેલાં સ્વામીનારાયણ મંદિરોમાં પણ શિક્ષાપત્રી મહોત્સવ ઊજવાશે. વસંતપંચમીના દિવસે શિક્ષાપત્રીનું પૂજન, આરતી તેમ જ પાઠ પણ થશે.’