ગુજરાતમાં નોંધાયા ૪.૩૪ કરોડ મતદારો

20 December, 2025 09:50 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૭૩.૭૩ લાખ મતદારોનાં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી કમી કરાયાં : ૩.૮૧ લાખ મતદારોનાં નામ બે જગ્યાએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતમાં હાથ ધરાયેલી મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ બાદ ગઈ કાલે મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં હવે મતદારોની સંખ્યા ૪,૩૪,૭૦,૧૦૯ થઈ છે. આ ઝુંબેશ દરમ્યાન કુલ ૭૩,૭૩,૩૨૭ મતદારોનાં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલાં કુલ ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો નોંધાયેલા હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ કુલ મતદારોની સંખ્યા ૪,૩૪,૭૦,૧૦૯ રહેવા પામી છે. એટલે કે SIRની ઝુંબેશ દરમ્યાન કુલ ૭૩,૭૩,૩૨૭ મતદારોનાં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. એમાં અવસાન પામેલા ૧૮,૦૭,૨૭૮ મતદારો, ગેરહાજર ૯,૬૯,૬૬૨ મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા ૪૦,૨૫,૫૫૩ મતદારો, બે જગ્યાએ નોંધાયેલા ૩,૮૧,૪૭૦ મતદારો તેમ જ અન્ય પ્રકારે ૧,૮૯,૩૬૪ મતદારોનો સમાવેશ થાય છે.’ 

કેટલા અધિકારીઓ–કર્મચારીઓએ કરી કામગીરી?

સતત દોઢ મહિના સુધી ચાલેલી કવાયત બાદ મુસદ્દા મતદારયાદી તૈયાર થઈ છે જેમાં ૩૩ જિલ્લા ચૂંટણી-અધિકારીઓ, ૧૮૨ મતદાર નોંધણી-અધિકારી, ૮૫૫ સહાયક મતદાર નોંધણી-અધિકારી, ૫૦,૯૬૩ બુથ લેવલ ઑફિસર (BLO), ૫૪,૪૪૩ બૂથ લેવલ એજન્ટ (BLA), ૩૦,૮૩૩ સ્વયંસેવકોએ કામગીરી કરી હતી. 

special intensive revision sir gujarat gujarat news