12 March, 2025 07:43 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ (South Gujarat Power Outrage) થઈ હોવાની માહિતી મળી રહી છે. માહિતી મુજબ ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું છે. આ કારણસર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 45 તાલુકાના 3,461 ગામડામાં પાવર કટની સમસ્યા નિર્માણ થઈ છે. બત્તી ગુલ થયા 32 લાખથી વધુ લોકોની ભારે હાલાકી થઈ હતી. સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા સહિતના બીજા વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ અને મિલોના કામકાજ બંધ પડ્યા હતા. કલાકો સુધી વીજળી ન આવતા લોકોએ ટોરેન્ટ પાવરની ઑફીસની બહાર હોબાળો કર્યો હતો. વીજ પુરવઠો ફરીથી શરૂ કરવા પ્રશાસને કામગીરી હાથ ધરી છે, જેને પગલે તેમણે ખાતરી આપી કે સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે.
દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ
સંપૂર્ણ રાજ્યમાં હીટવેવની આગાહી છે. એવા સમયે સુરત, તાપી, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ઉકાઈ TPSના ચાર યુનિટમાં કોઈ ખામી સર્જાતા 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઓછું થયું હતું. 400 કેવી આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટી સમસ્યા નિર્માણ થઈ. સત્તાવાર માહિતી મુજબ, સૌથી પહેલા વડોદરના આસોજ-કોસંબા લાઈન ખામી સર્જાઈ. તેથી ઓછા વોલ્ટેજ નિર્માણ થયો. DGVCLની માગ 5200 મેગાવોટથી ઘટીને 700 મેગાવોટ થઈ ગઈ હતી. હાલમાં DGVCLનો ભાર 700થી વધીને 1040 મેગાવોટ પહોંચ્યો છે, પણ તે હજી સ્થિર નથી થયું. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 45 તાલુકાના 3,461 ગામડાને પાવર કટનો સામનો કરવો પડ્યો હતો. 500 મેગા વોટ વીજ ઉત્પાદન બંધ થતા ઉદ્યોગો અને લોકોની સ્થિતિ બગડી હતી.
ગ્રીડ ફેલ થતાં વીજ પુરવઠો ખંડિત થયો હોવાના સત્તાવાર અહેવાલ છે. સુરતના હીરાના કારખાનામાં કામ કરતાં કર્મચારીઓએ કહ્યું આજે લાઇટ બંધ થઈ ગઈ હતી. વારંવાર લાઇટ ડિમ થતાં અહીંની મશીનોમાં નુકસાન થયું. કેટલાક મશીનો વિદેશથી લાવેલા છે અને પાવરના ડિમ થતાં તેને ભારે નુકસાન થયું. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સમસ્યા નિર્માણ થઈ છે. બીજી તરફ, ઓલપાડમાં બત્તી ગૂલ થતાં સરકારી ઑફિસોમાં લોકોને અંધારામાં કામ કરવું પડ્યું હતું.
ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક લાઈટ જતાં લોકો પરેશાન થયા હતા. સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓના કામ સંપૂર્ણપણે બંધ પડ્યા હતા. બીજી તરફ સરકારી કચેરીઓમાં પણ કામકાજ ઠપ્પ પડી ગયા હતા. વીજળી ગાયબ થતાં લોકો લોકો ટોરેન્ટ પાવર સામે હંગામો કર્યો હતો જેથી અધિકારીઓએ ખાતરી આપી હતી કે, સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે.