07 August, 2026 10:29 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
રેલવેના અધિકારીઓએ સ્પીડ-નિરીક્ષણ કર્યું હતું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની સામખિયાળી–ગાંધીધામ ફોર લાઇન યોજના અંતર્ગત કચ્છમાં સામખિયાળી–ભચાઉ વચ્ચે બનેલી ત્રીજી અને ચોથી રેલલાઇન પર પ્રતિ કલાકના ૧૩૦ કિલોમીટરની ઝડપે સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી હતી. એમાં પહેલી વાર ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ઑબ્ઝર્વેશન કાર સાથે ટ્રાયલ થઈ હતી.
સામખિયાળી–ભચાઉ નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવેલાઇન પર સ્પીડ-ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. આ ટ્રાયલ સુરિક્ષત, ઝડપી અને કાર્યક્ષમ રેલસંચાલનની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. અંતિમ સુરક્ષા-મંજૂરી બાદ આ રેલલાઇન પર પૅસેન્જર ટ્રેન-સર્વિસનું સંચાલન શરૂ કરવામાં આવશે.
બે દિવસ નિરીક્ષણ થયું હતું જેમાં સામખિયાળીથી ભચાઉ સુધી તથા ભચાઉથી સામખિયાળી સુધી મોટરટ્રૉલી દ્વારા વિગતવાર સુરક્ષા-નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન નવી રેલવેલાઇનની ગુણવત્તા, ટ્રૅક જ્યોમેટ્રી, રેલ વેલ્ડિંગ, ક્રૉસિંગ, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, ઓવરહેડ ઇલેક્ટ્રિક ઉપકરણો તેમ જ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી.
કચ્છમાં રેલ-સંપર્ક બનશે વધુ મજબૂત
અમદાવાદ મંડળના સામખિયાળી–ભચાઉ રેલ ખંડ પર ફોર લાઇન પ્રોજેક્ટનું પૂરું થવું કચ્છ વિસ્તારમાં વધતા
રેલ-ટ્રાફિકના દબાણને ઘટાડવા તેમ જ બંદર-આધારિત માલપરિવહનને વધુ ઝડપી, સુરિક્ષત અને સુગમ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રોજેક્ટથી કચ્છ વિસ્તારમાં રેલ-સંપર્ક વધુ મજબૂત બનશે, માલ અને યાત્રી પરિવહનને નવી ગતિ મળશે તેમ જ આ વિસ્તારના વેપાર, ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્રને મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન મળશે. ફોર લાઇનના સંચાલનથી આ માર્ગની વહનક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે જેના પરિણામે મુસાફરો અને માલગાડીઓનું સંચાલન વધુ સુચારુ, સમયબદ્ધ અને સુરિક્ષત રીતે થઈ શકશે.