16 July, 2026 12:37 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સુરત (Surat) સહિત સમગ્ર ગુજરાત (Gujarat)ના હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોમાં ભારે ચકચાર જગાવે તેવી ઘટના પશ્ચિમ આફ્રિકા (West Africa)ના માલી (Mali) દેશમાંથી સામે આવી છે. સુરતના જાણીતા ૭૫ વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરૂભાઈ રામાણી (Dhiru Ramani) છેલ્લા ત્રણ મહિનાથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા છે. આ ઘટનામાં તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો પણ લાપતા થયા છે, જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન સામેલ છે. કટ્ટરપંથી સંગઠન દ્વારા ત્રણેય ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, અને તેમને મુક્ત કરવાના બદલામાં રૂપિયા ૧૦૦ કરોડની તોતિંગ ખંડણી માંગવામાં આવી છે. પશ્ચિમ આફ્રિકાના અશાંત વિસ્તારોમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં આ સમાચારને પગલે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
ધીરૂ રામાણી (Surat diamond trader Dhiru Ramani kidnapped in Mali) અને અન્ય બે ભારતીયોના લાપતા થવા પાછળ કોઈ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્ક સક્રિય હોવાની આશંકા પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં રહેતા પરિવારના એક નજીકના સભ્યના જણાવ્યા અનુસાર, અલકાયદા સાથે કનેક્શન ધરાવતા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીય નાગરિકોને છોડવા માટે રુપિયા ૧૦૦ કરોડની ખંડણીની માંગણી કરી છે.
હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે આટલી મોટી રકમની માંગણી સામે આવતા જ પરિવાર અત્યારે માનસિક દબાણ હેઠળ છે, જ્યારે બીજી તરફ સત્તાવાર એજન્સીઓ દ્વારા પણ આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ સમગ્ર સંકટ વચ્ચે ધીરૂભાઈ રામાણીના એક નજીકના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘અમારી પાસે ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.’ તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પોતાની રીતે જ આ આખી પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ બાબતમાં સત્તાવાર સરકારી તંત્ર (Indian Government) કે ભારતના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs of India)ને સામેલ કરવામાં આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, ધીરૂભાઈનો પરિવાર હાલ અમેરિકા (America)માં સ્થાયી થયેલો છે અને ત્યાંથી જ તેઓ કટ્ટરપંથી સંગઠનના સભ્યો સાથે સીધો સંપર્ક સાધીને કમ્યુનિકેશન કરી રહ્યા છે.
આ કેસમાં સામેલ અપહરણકર્તાઓ પણ અત્યંત શાતિર હોવાનું બહાર આવ્યું છે. સંબંધીઓના જણાવ્યા મુજબ, પરિવારે વેપારી અને અન્ય સ્ટાફની સુરક્ષા અંગે ખાતરી માંગી હતી. જેના પગલે કટ્ટરપંથીઓએ ધીરૂ રામાણી અને પરિવાર વચ્ચે વીડિયો કોલ દ્વારા વાતચીત કરાવી હતી. આ વીડિયો કોલ દરમિયાન ત્રણેય ભારતીયો જીવતા અને સુરક્ષિત હોવાનું પરિવારે પ્રત્યક્ષ જોયું હતું. બંધકો સહીસલામત હોવાના પુરાવા મળ્યા બાદ અમેરિકામાં રહેતા પરિવારે કટ્ટરપંથી સંસ્થા સાથે નેગોશિયેશનની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી દીધી છે, જેથી વહેલી તકે નાણાકીય લેવડદેવડ આટોપીને ત્રણેયને મુક્ત કરાવી શકાય.
ધીરૂભાઈ રામાણીનો પરિવાર પરંપરાગત રીતે વર્ષોથી સુરત તેમજ વૈશ્વિક સ્તરે ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલો છે. જો કે, થોડા વર્ષો પહેલાં ધીરૂભાઈએ આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામ (ગોલ્ડ માઇનિંગ)ના પ્રોજેક્ટમાં મોટું મૂડીરોકાણ કર્યું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી માલીમાં જ ગ્રાઉન્ડ લેવલ પર રહીને આ આખા માઇનિંગ ઓપરેશન અને પ્રોજેક્ટનું કામકાજ જાતે સંભાળતા હતા. આ દરમિયાન જ તેઓ કોઈ અજ્ઞાત લોકેશન પરથી ગુમ થઈ ગયા હતા. જો કે, તેઓ ચોક્કસ કઈ જગ્યાએથી ગુમ થયા છે તે અંગેની સત્તાવાર વિગતો હજુ જાહેર થઈ શકી નથી.
આ સનસનાટીભરી ઘટનાને પગલે સુરતના હીરા અને જ્વેલરી બજારમાં સન્નાટો વ્યાપી ગયો છે. ખાસ કરીને એવા ઉદ્યોગપતિઓ વધારે ચિંતિત છે, જેમણે સાઉથ આફ્રિકા કે અન્ય હાઈ-રિસ્ક દેશોમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કે માઇનિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી, જેમાં માલી જેવા આફ્રિકાના દેશોમાં અપહરણ અને ગુમ થવાની વધતી ઘટનાઓને પગલે ત્યાં કામ કરતા ભારતીય નાગરિકોને સાવધ રહેવાની ચેતવણી અપાઈ હતી.
હાલમાં સુરતના તમામ વેપારીઓની નજર ધીરૂભાઈ અને અન્ય ભારતીયોના સુરક્ષિત વતન વાપસી પર ટકેલી છે.