01 June, 2026 08:31 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
કિરીટ પટેલ
સુરતના કિરીટ પટેલ (બાબુભાઈ પટેલ)એ તેની ચોથી પત્ની અને સાસરિયાંઓ તરફથી થતી માનસિક અને કાનૂની હેરાનગતિથી કંટાળીને જિલ્લા-કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની પરવાનગી માગી છે. પતિએ ગંભીર માનસિક તાણને કારણે ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવાની ધમકી આપી છે અને કહ્યું છે કે જો મારી ફરિયાદો ૩ દિવસમાં સાંભળવામાં નહીં આવે તો મને કઠોર પગલું ભરવાની ફરજ પડશે.
કિરીટ પટેલે તેની પત્ની અને તેના પરિવાર પર ખોટા કેસ દાખલ કરવાનો આરોપ લગાવ્યો છે, જેને કારણે તે માનસિક રીતે પરેશાન છે. તેણે કહ્યું હતું કે ‘પત્નીના પરિવારના સભ્યોના ટોણા અને હેરાનગતિથી હું ખૂબ જ દુઃખી છું. આ પીડાદાયક પરિસ્થિતિથી કંટાળીને મેં ઇચ્છામૃત્યુની માગણી કરી છે.’
કિરીટ પટેલનાં અગાઉનાં ૩ લગ્ન અસફળ રહ્યાં હતાં અને આ ચોથાં લગ્ને તેને ચિંતામાં મૂક્યો છે. તેના મતે આ કેસ ફક્ત વ્યક્તિગત બાબતો પર જ નહીં પરંતુ સમાજમાં સંબંધો પર પણ ઊંડા ચિંતનની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેણે આરોપ લગાવતાં કહ્યું હતું કે ‘પત્નીનો પરિવાર મને દરેક શક્ય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વેદનાથી મારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી છે. આ પરિસ્થિતિ મારા માટે અસહ્ય બની રહી છે.’
કિરીટ પટેલનો આરોપ છે કે તેની હાલની પત્નીએ તેનાં પાછલાં લગ્નથી થયેલા ૧૨ વર્ષના પુત્રને ઓશીકા વડે ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. વારંવાર વિનંતી કરવા છતાં પોલીસે આ જીવલેણ હુમલા માટે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો નથી.