23 December, 2025 06:57 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પોતાની ૭ વર્ષની દીકરીની મુંબઈમાં યોજાનારી દીક્ષા રોકવા માટે સુરતમાં રહેતા તેના પપ્પાએ સુરતની ફૅમિલી કોર્ટમાં કરેલી અપીલના કેસમાં ગઈ કાલે દીકરીની મમ્મીએ મુંબઈમાં યોજાનારી પોતાની દીકરીની દીક્ષા મોકૂફ રખાવી હોવાનું ઍફિડેવિટ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એને રેકૉર્ડ પર લઈને આ કેસની વધુ સુનવણી ૨૦૨૬ની બીજી જાન્યુઆરીએ રાખી છે. મુંબઈમાં ચોથી ફેબ્રુઆરીથી આઠમી ફેબ્રુઆરી સુધી યોજાનારા સામૂહિક દીક્ષામહોત્સવમાં આ બાળકી સંયમમાર્ગે જવાની હતી.
દીકરીના પપ્પા તરફથી આ કેસમાં એપિયર થયેલાં ઍડ્વોકેટ સ્વાતિ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીએ દીકરીની દીક્ષા મોકૂફ રાખી હોવાનું ઍફિડેવિટ સુરતની ફૅમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ એસ. વી. મન્સૂરી સમક્ષ રજૂ કર્યું હતું. કોર્ટે આ ઍફિડેવિટ રેકૉર્ડ પર લીધું છે.’
સુરતમાં રહેતા દીકરીના પપ્પાએ સુરત ફૅમિલી કોર્ટ સમક્ષ ધી ગાર્ડિયન ઍન્ડ વૉર્ડ્સ ઍક્ટ હેઠળ અરજી કરીને વચગાળાની મનાઈ-અરજી કરી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ‘મારી પત્ની ૭ વર્ષની દીકરી અને પાંચ વર્ષના દીકરાને લઈને પિયર ચાલી ગઈ છે. તેને લેવા અમે પિયર ગયા ત્યારે પત્નીએ કહ્યું કે જો દીકરીને દીક્ષા અપાવવાની હા પાડશો તો જ હું તમારી સાથે ઘરસંસાર આબાદ કરવા આવીશ. ત્યાર બાદ મારી ૭ વર્ષની દીકરીને મુંબઈ મોકલી દીધી હતી. એની જાણ થતાં મારી દીકરીને લેવા ગયો ત્યારે પત્નીએ મારી દીકરીને મળવા નહોતી દીધી. મારી દીકરી ૭ વર્ષની છે. તેના ભવિષ્ય માટેનો કોઈ પણ નિર્ણય એકલી મારી પત્ની લેવા માટે સંપૂર્ણ અધિકાર ધરાવતી નથી, કારણ કે એક પિતા તરીકે દીકરીના સારા ભવિષ્યની જવાબદારી મારા માથે પણ છે. મારી પિતા તરીકેની કે અમારા પરિવારજનોની કોઈ પણ સંમતિ મેળવ્યા વિના મારી પત્ની દીકરીને દીક્ષા અપાવવા જઈ રહી છે. એટલે કોર્ટને મારી અરજ છે કે મારી પત્ની કે તેમના પિયરપક્ષના લોકો મારી દીકરીની કસ્ટડી અન્ય કોઈને પણ સુપરત ન કરે. મારી દીકરીની મુંબઈમાં દીક્ષા માટે નક્કી કરેલા કાર્યક્રમ તથા એ પછીની અન્ય કોઈ પણ તારીખે દીકરીને દીક્ષા અપાવે નહીં. એ માટે તથા કોર્ટમાં અમારી અરજીનો આખરી હુકમ ન થાય ત્યાં સુધી દીકરીને દીક્ષા અપાવે નહીં એ માટે વચગાળાની મનાઈ ફરમાવશો.’