એકસાથે એક લાખ કરશે અંગદાનનો સંકલ્પ

22 December, 2022 10:48 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સુરતમાં સમૂહલગ્નમાં ૩૦૦ કપલ્સ સાથે એક લાખ લોકો સંકલ્પ કરશે અંગદાનનો : પી. પી. સવાણી ગ્રુપ દ્વારા આયોજિત પિતા વગરની ૩૦૦ દીકરીઓનો સમૂહ-લગ્નોત્સવ થશે પ્રમુખસ્વામી મહારાજને અર્પણ

સુરતમાં યોજાનારા પિતા વિનાની દીકરીઓના લગ્નોત્સવ પહેલાં સુરતમાં રવિવારે રાસ-ગરબા થયા હતા.

અમદાવાદ : સુરતમાં યોજાનારા પિતા વગરની ૩૦૦ દીકરીઓના લગ્નોત્સવમાં પહેલી વાર ૧ લાખ લોકો સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લેશે, જેમાં લગ્ન કરનાર ૩૦૦ દીકરીઓ અને ૩૦૦ જમાઈઓ પણ સ્વૈચ્છિક અંગદાન માટે સંકલ્પ લેશે. પી. પી. સવાણી ગ્રુપ દ્વારા આયોજિત આ સમૂહ-લગ્નોત્સવ પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવશે. આ શનિવારે ૧૫૦ દીકરીઓના અને રવિવારે બીજી ૧૫૦ દીકરીઓનાં વિધિવિધાન સાથે લગ્ન થશે, જેમાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ સહિતના ધર્મ અને જ્ઞાતિઓની દીકરીઓનાં હેતથી લગ્ન કરાવવામાં આવશે. 

‘દીકરી જગતજનની’ની ટૅગલાઇન સાથે યોજાનારા આ લગ્નોત્સવની આજથી શરૂઆત થશે. આજે ૩૦૦ દીકરીઓની મેંદી-સેરેમની ધામધૂમથી યોજાશે.

આ લગ્નોત્સવની વિશેષતાની વાત કરતાં પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ ‘મિડ-ડે’ સમક્ષ દાવો કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતમાં પહેલી વાર એવું બનશે કે આ લગ્નોત્સવમાં એક લાખ લોકો સ્વૈચ્છિક રીતે અંગદાન કરવાનો સંકલ્પ લેશે. આજે દરદીઓને કિડની અને લિવર મેળવવા માટે બે-ત્રણ વર્ષ વેઇટિંગ ચાલે છે, એટલે અંગદાન થકી કોઈનું જીવન બચી શકે છે એ હેતુથી અમે આ લગ્નોત્સવમાં સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લેવડાવવાનું નક્કી કર્યું હતું. આ માટે અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટ, ડોનેટ લાઇફ ફાઉન્ડેશન અને જીવનદીપ ઑર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાનના સંકલ્પના કાર્યક્રમનું આયોજન કર્યું છે. અંગદાન માટે અગાઉથી સહમતી લેવાઈ છે અને એકસાથે, એક સ્થળે, એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે એ એક રેકૉર્ડ બનશે. લગ્ન કરનાર દીકરીઓ, જમાઈઓ, અમારા ૪૫૦૦ સ્વયંસેવકો ઉપરાંત સુરત, અમદાવાદ સહિત ગુજરાતના લોકો સ્વૈચ્છિક રીતે અંગદાન કરવા માટે સંકલ્પ લેશે.’
આ લગ્નોત્સવમાં સી.એફ.ઇ.–કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારનાં એક હજાર બાળકોને દત્તક લઈને તેમને મેડિકલ, એન્જિનિયરિંગ, સી.એ. જેવા ઉચ્ચ અભ્યાસના પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી કરાવવા માટેના કાર્યક્રમનું લૉન્ચિંગ કરવામાં આવશે. લગ્નસમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના પ્રધાનમંડળના સભ્યો હૃષીકેશ પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, કુબેર ડિંડોર, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મીડિયા કન્વીનર વિપુલ તળાવિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘આ લગ્નોત્સવ પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી પર્વને અર્પણ કરાયો છે. ૩૦૦ દીકરીઓ અને તેમનો પરિવાર પ્રમુખસ્વામીની પુણ્યસ્મૃતિને વંદન કરશે. આ ઉપરાંત ગુરુવારે સવારે દીકરીઓને મેંદી મૂકવાની રસમ ભવ્ય રીતે ઊજવાશે.’

આ લગ્નોત્સવમાં સુરત ઉપરાંત, અમદાવાદ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, રાજકોટ, ભરૂચ, ભાવનગર, અમરેલી સહિત ગુજરાતનાં જુદાં-જુદાં શહેરો અને ગામો ઉપરાંત યુ.પી. અને મધ્ય પ્રદેશમાંથી બબ્બે દીકરીઓ અને મહારાષ્ટ્રની પાંચ દીકરીઓનાં લગ્ન પણ અહીં થશે. દરેક ધર્મની દીકરીઓનાં લગ્ન તેમના ધર્મની રીતિ મુજબ કરાવવામાં આવશે. 

ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતમાં પહેલી વાર એવું બનશે કે આ લગ્નોત્સવમાં એક લાખ લોકો સ્વૈચ્છિક રીતે અંગદાન કરવાનો સંકલ્પ લેશે - મહેશ સવાણી

gujarat news ahmedabad organ donation