સુરતના કૉન્ગ્રેસી ઉમેદવાર નીલેશ કુંભાણી લાપતા, પાર્ટીને પણ જડતા નથી

25 April, 2024 07:52 AM IST  |  Surat | Shailesh Nayak

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ચીમકી આપી છે કે નીલેશ કુંભાણીએ પ્રજાને પીઠમાં ખંજર માર્યું છે, કૉન્ગ્રેસથી ગદ્દારી કરવાનું પરિણામ શું આવે એ બતાવીશ

સુરત લોકસભા બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું આ પોસ્ટર જોઈને હવે કૉન્ગ્રેસને થયું હશે કે ભરોસો તોડ્યો

લોકસભાની ચૂંટણીમાં સુરતની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા બાદ સુરત કૉન્ગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને કૉન્ગ્રેસને પણ શોધ્યા જડતા નથી. નીલેશ કુંભાણી સામે કૉન્ગ્રેસમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં, કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ચીમકી આપી છે કે નીલેશ કુંભાણીએ પ્રજાને પીઠમાં ખંજર માર્યું છે, કૉન્ગ્રેસથી ગદ્દારી કરવાનું પરિણામ શું આવે એ બતાવીશ.

સુરતમાં કૉન્ગ્રેસના લોકસભાના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ બાકીના ઉમેદવારોએ તેમનાં ફૉર્મ પરત ખેંચી લેતાં સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ હતી અને BJPએ આ બેઠક જીતી લીધી છે, જેના પગલે ભારે ઊહાપોહ થયો છે અને વિવાદ ઊભો થતાં કૉન્ગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી ગાયબ થઈ ગયા છે.

કૉન્ગ્રેસ પક્ષે હજી સુધી નીલેશ કુંભાણી સામે કોઈ કાર્યવાહી નહીં કરતાં કૉન્ગ્રેસના કાર્યકરોએ નીલેશ કુંભાણી ઉપરાંત તેમને ટિકિટ અપાવવામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગણી ઊઠી છે. સુરત બેઠક પર ફિક્સિંગ થયું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે, કેમ કે નીલેશ કુંભાણીને ટિકિટ ફાળવાઈ ત્યારે વિરોધ થયો હતો પણ હાઇકમાન્ડે તેમનામાં વિશ્વાસ મૂક્યો હતો.

surat congress Gujarat Congress Lok Sabha Election 2024 Lok Sabha gujarat gujarat news