૭૦-૮૦ લાખથી વધુ વસ્તી ધરાવતું સુરત દેશનું પહેલું સ્લમ-ફ્રી મેગાસિટી બનશે

02 January, 2026 10:42 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

જિતુ વાઘાણીએ સુરત શહેરને સ્લમ-ફ્રી કરવા વિશે કહ્યું હતું કે ‘સુરત હવે ગુજરાતનું પ્રથમ શહેર બનશે જે સંપૂર્ણપણે સ્લમ-ફ્રી હશે`

સુરતનું આ મૉડલ આવનારા સમયમાં દેશનાં અન્ય મોટાં શહેરો માટે એક રોલ મૉડલ બની શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે રાજ્યનાં મોટાં શહેરોને સ્લમ-ફ્રી એટલે કે ઝૂંપડપટ્ટી-મુક્ત બનાવવાની હાકલ કરી હતી. ૨૦૦૬માં સુરતની લગભગ ૩૮ ટકા વસ્તી ઝૂંપડીઓમાં વસતી હતી. છેલ્લા બે દાયકામાં ઝૂંપડીમાં વસતા નાગરિકોનું જીવનધોરણ ઊંચું લાવીને સ્લમ વિસ્તાર ઘટાડવાના અનેકવિધ પ્રયાસોને કારણે આજે સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોની સંખ્યા માત્ર પાંચ ટકા જેટલી રહી છે.

ગુજરાતના પ્રધાન જિતુ વાઘાણીએ સુરત શહેરને સ્લમ-ફ્રી કરવા વિશે કહ્યું હતું કે ‘સુરત હવે ગુજરાતનું પ્રથમ શહેર બનશે જે સંપૂર્ણપણે સ્લમ-ફ્રી હશે. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકોને આધુનિક સુવિધાઓ સાથેનાં પાકાં મકાનો આપીને તેમને મુખ્ય ધારામાં લાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે.’

દેશનું પહેલું સ્લમ-ફ્રી શહેર ચંડીગઢ છે, પરંતુ એની વસ્તી લગભગ ૧૦થી ૧૨ લાખ લોકોની છે. એની સરખામણીએ ૭૦-૮૦ લાખની વસ્તી ધરાવતું સુરત મેગા સિટીની કૅટેગરીમાં આવે છે. જિતુ વાઘાણીએ કહ્યું હતું, ‘જો આ લક્ષ્ય હાંસલ થશે તો સુરત માત્ર ગુજરાત માટે જ નહીં, દેશના શહેરી વિકાસના ઇતિહાસમાં પણ નવો અધ્યાય બનશે. આ સફળતા માત્ર સરકારી યોજનાઓનું પરિણામ નથી; એમાં સ્થાનિક પ્રશાસન, નગરપાલિકા, ઉદ્યોગજગત અને નાગરિકોની પણ સામૂહિક ભાગીદારી સામેલ છે. સુરતનું આ મૉડલ આવનારા સમયમાં દેશનાં અન્ય મોટાં શહેરો માટે એક રોલ મૉડલ બની શકે છે.’

gujarat news gujarat surat Jitu Vaghani gujarat government