સોખડા સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ મહાદેવનું અપમાન કરતાં શિવભક્તોમાં આક્રોશ

07 September, 2022 10:57 AM IST  |  Gujarat | Shailesh Nayak

ભોળા શંભુ વિશે અમેરિકામાં બફાટ કર્યા બાદ રોષના પગલે આનંદસાગર સ્વામીએ માફી માગીઃ રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ સહિત ગુજરાતના સાધુ-સંતો અને શિવભક્તોએ સ્વામીનો કર્યો વિરોધ ઃ રાજકોટમાં સ્વામીનાં પોસ્ટર ફાડ્યાં અને પોલીસ કમ્પ્લેઇન્ટ કરી

સોખડા સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ મહાદેવનું અપમાન કરતાં શિવભક્તોમાં આક્રોશ


અમદાવાદ : મધ્ય ગુજરાતમાં આવેલા સોખડા સ્વામીનારાયણ મંદિરના આનંદસાગર સ્વામી અમેરિકામાં પોતાના પ્રવચન દરમ્યાન ભાન ભૂલ્યા હતા અને સભાને સંબોધતાં બોલવામાં સંયમ નહીં જાળવીને દેવાધિદેવ ભગવાન મહાદેવને નીચા દેખાડવાનું હીન કૃત્ય કરતાં સાધુ સમાજ અને શિવભક્તોમાં આક્રોશ ફેલાયો છે. સ્વામીનો વિવાદિત વિડિયો વાઇરલ થતાં અને વિવાદ ઊભો થતાં ભોળા શંભુ વિશે બફાટ કર્યા બાદ રોષના પગલે આનંદસાગર સ્વામીએ માફી માગી લીધી છે.
ભારતીય સંસ્કૃતિમાં સાધુ-સંતો અને સ્વામીઓનો એક અદનો દરજ્જો છે અને ભાવિકો તેમને આદર આપતા હોય છે, તેમનાં પ્રવચનો સાંભળતા હોય છે ત્યારે સ્વામી જ ખુદ પ્રવચનમાં ભાન ભૂલીને બકવાસ કરે એવી ઘટના બની છે. સોખડા સ્વામીનારાયણ મંદિરના આનંદસાગર સ્વામીએ અમેરિકામાં તેમના પ્રવચનમાં ભગવાન શિવજી માટે બફાટ કરતી વિડિયો​-ક્લિપ વાઇરલ થઈ હતી. આ ​​ક્લિપના કારણે ચોમેરથી વિરોધ ઊઠ્યો છે. ગઈ કાલે રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ સહિત ગુજરાતના શિવભક્તોએ સ્વામીનો વિરોધ કર્યો હતો. રાજકોટમાં સ્વામીનાં પોસ્ટર ફાડ્યાં હતાં અને પોલીસ કમ્પ્લેઇન્ટ કરી હતી. સાધુસમાજ, આપા ગીગાના ઓટલાના મહંત, બ્રહ્મ સમાજ, રાજકોટ બાર અસોસિએશને સ્વામીના વિવાદિત નિવેદન સામે વિરોધ વ્યક્ત કરી પગલાં ભરવાની માગણી કરી છે. સાધુ-સંતો અને લોકોમાં એવો રોષ પ્રસર્યો હતો કે પ્રબોધસ્વામીનાં ગુણગાન ગાવામાં આ સ્વામીએ ભગવાન શિવજીનું અપમાન કર્યું છે અને તેમને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી કરાઈ છે.
દેવાધિદેવ ભગવાન મહાદેવજી વિશે બફાટ કર્યા બાદ પોતાની સામે વિરોધ ઊઠતાં આનંદસાગર સ્વામીએ એક વિડિયો-ક્લિપ જાહેર કરીને માફી માગતાં કહ્યું કે ‘દેવાધિદેવ મહાદેવજી સનાતન ભારતીય સંસ્કૃતિના આરાધ્ય દેવ છે, પૂજનીય છે. સનાતન ભારતીય સંસ્કૃતિના દરેક સાધક, દરેક હિન્દુ માટે છે, મારા માટે પણ પૂજનીય છે, આરાધ્ય છે અને રહેશે. એક યુવકની લાગણીને, તેની વાતને શૅર કરવા માટે, ભાવ આપવા માટે મારાથી જેકાંઈ ભૂલ થઈ છે એ બદલ હું સનાતન ભારતીય સંસ્કૃતિના એક સાધુ તરીકે, એક સાધક તરીકે તમામ શિવભક્તોની, તમામ ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના સાધકોની અને દરેક ભક્તજનની અંતઃકરણપૂર્વક હૃદયથી ક્ષમા માગું છું.’

gujarat news ahmedabad