બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં ઊભું થયું ટેન્શન

14 September, 2021 11:32 AM IST  |  Rajkot | Rashmin Shah

ડિપ્રેશન જમીન પર આવતાં પહેલાં એની દિશા ફંટાતાં ગુજરાતભરમાં ૬થી ૨૦ ઇંચ સુધીનો વરસાદ પડ્યો

પ્રતીકાત્મક તસવીર

વરસાદની ગુજરાતને જરૂર હતી. ૩૨ ટકાથી વધારે ઘટ ધરાવતા આ મૉન્સૂનમાં ગઈ કાલના એક જ દિવસના વરસાદે એ ઘટને સરેરાશ ૧૨ ટકા પર લાવી દીધી. બંગાળની ખાડી પર સર્જાયેલું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં અચાનક જ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી હતી, પણ એ વરસાદનું રોદ્ર રૂપ કેવું હશે એ તો ગઈ કાલે ગુજરાતમાં ત્રાટક્યો ત્યારે છેક ખબર પડી.

ગઈ કાલે એક દિવસમાં ગુજરાતમાં ૬થી ૨૦ ઇંચ જેટલો વરસાદ પડ્યો. જમીન પર પ્રવેશી રહેલું ડિપ્રેશન મુંબઈ કે ગોવા પર પોતાની અસર દેખાડશે એવું માનવામાં આવતું હતું, પણ એણે અસર ગુજરાતના સૌરાષ્ટ્ર પર દેખાડી અને રવિવારે સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો, પણ રાતના એનું સ્વરૂપ બદલાઈ ગયું. વિજળીના કડાકાઓ સાથે તૂટી પડેલા વરસાદ વચ્ચે રાજકોટ અને જામનગર જિલ્લાને પાણી-પાણી કરી દીધું તો ગુજરાતના ૨૩૨ તાલુકાઓમાં દોઢથી છ ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો.

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાક હજી પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

સૌથી વધુ અસર...

સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં જોવા મળી અને એમાં પણ જામનગર અને રાજકોટની હાલત સૌથી કફોડી રહી. જામનગર જિલ્લાના અલિયાબાડા ગામમાં ૨૪ કલાકમાં ૨૦ ઇંચ અને ૩૦ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ પડ્યો હતો તો જિલ્લામાં ૮થી ૧૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો. રાજકોટમાં પણ એવી જ હાલત રહી. રાજકોટમાં ૨૪ કલાકમાં ૨૦ ઇંચ અને ૧૬ કલાકમાં ૧૮ ઇંચ વરસાદ પડ્યો, જ્યારે જિલ્લામાં ૯થી ૧૨ ઇંચ વરસાદ પડ્યો. રાજકોટ અને જામનગર એમ બન્ને જિલ્લામાં ભારેખમ વરસાદ હોવાને લીધે રાજકોટ-જામનગર સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો તો ગુજરાતના અન્ય પાંચ સ્ટેટ હાઇવે પણ ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે જામનગર અને રાજકોટ આવતી ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી તો સૌરાષ્ટ્ર મેલ સહિતની છ ટ્રેન ચારથી સાત કલાક મોડી કરવી પડી હતી.

જળસંકટમાં રાહત...

ગઈ કાલે આવેલા વરસાદના કારણે ગુજરાતભરમાં જળસંકટમાં રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ગઈ કાલે ૩થી ૭ ઇંચ જેટલો વરસાદ રહ્યો હતો તો મધ્ય ગુજરાતમાં અઢીથી ૪ ઇંચ અને ઉત્તર ગુજરાતમાં દોઢથી પાંચ ઇંચ વરસાદ હતો.

ગઈ કાલે પડેલા એક જ દિવસના વરસાદના કારણે ગુજરાતના નાના-મોટા ૧૪૦થી વધારે ડૅમમાં પાણીની આવક થઈ હતી જ્યારે ૧૪ ડૅમ ઓવરફ્લો થયા હતા. માત્ર ૩૬ કલાક પહેલાં એવી પરિસ્થિતિ હતી કે ગુજરાતનાં અમુક શહેરોમાં પીવાના પાણીના વિતરણમાં કાપ મૂકવો પડે, પણ ૩૬ જ કલાકમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.

gujarat gujarat news Gujarat Rains Rashmin Shah