22 September, 2026 01:30 PM IST | vadodara | Gujarati Mid-day Correspondent
સ્ટૅચ્યુ ઑફ યુનિટી
મધ્ય ગુજરાતમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં આજે પહેલી વાર ૭૨મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ સમારોહનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કલાકારો અને કસબીઓને પુરસ્કારથી સન્માનિત કરીને બિરદાવશે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા માટે ગઈ કાલે કાર્તિક આર્યન, મમૂટી સહિતના કલાકારો એકતાનગર પહોંચ્યા હતા જ્યાં તેમને રાસગરબાની સાથે ઢોલના તાલે મીઠો આવકાર અપાયો હતો. ભારતીય સિનેમા જગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરતા આ રાષ્ટ્રીય સમારોહમાં કુલ ૯૨ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. પીઢ અભિનેતા અનંત નાગને તેમના ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવશે.
સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે બસ - બે એરિયામાં આ કાર્યક્રમ યોજાશે જેના માટે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં અંદાજે ૧૦૦૦ મહેમાનોની બેઠક ક્ષમતા સાથે અન્ય જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.