19 August, 2026 12:21 PM IST | Navsari | Gujarati Mid-day Correspondent
રેસ્ક્યુ કરાયેલા માછીમારો અને પોલીસ.
નવસારી જિલ્લામાં ગઈ કાલે દરિયામાર્ગે એક બોટ વલસાડ તરફ જઈ રહી હતી ત્યારે એના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એને કારણે બોટમાં ફસાયેલા ૯ માછીમારોને કોસ્ટગાર્ડે હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢ્યા હતા.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુરથી જયમાલા નામની બોટ ગઈ કાલે વલસાડ તરફ રવાના થઈ હતી. એમાં આ બોટના માલિક દીપક ટંડેલ સહિત ૯ માછીમારો બેઠા હતા. આ બોટ ધોલાઈ બંદરથી આશરે ૨.૫ નૉટિકલ માઇલ દૂર પહોંચી ત્યારે બોટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એનું એન્જિન બંધ થઈ ગયું હતું. એને કારણે બોટમાં બેઠેલા લોકોએ તેમને બચાવી લેવા મદદ માગી હતી. આ ઘટનાની જાણ થતાં નવસારીના
જિલ્લા-કલેકટર મનીષ ગુરવાનીએ કોસ્ટગાર્ડના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલનો સંપર્ક કરીને માછીમારોને રેસ્ક્યુ કરવા માટે હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરાવી હતી. કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સાથે સંકલન કરીને રેસ્ક્યુ-ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરાયેલા ૩ લોકોને વલસાડ જિલ્લાના દાંડી ખાતે અને ૬ લોકોને વલસાડ જિલ્લાના ભાગળ ખાતે સલામત રીતે પહોંચાડ્યા હતા.