ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ? કમલમ ખાતે આજે યોજાયેલ બેઠકમાં લેવાશે નિર્ણય

12 September, 2021 11:46 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે કમલમ ખાતે બેઠક યોજાશે અને નવા મુખ્યપ્રધાનને લઈને નિર્ણય લેવાશે.

ગુજરાત વિધાનસભા

વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી અચાનક રાજીનામું આપ્યાં બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી છે. આજે કમલમ ખાતે બેઠક યોજાશે અને નવા મુખ્યપ્રધાનને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે. મુખ્યપ્રધાન નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યો છે. જેમાં આજે સવારે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. 

આજની આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનપ્રધાન રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચી ગયા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. 

ભાજપના કાર્યાલય કમલમ પર સવારથી હલચલ વચ્ચે પોલીસ પણ તૈનાત છે. કમલમ પર ધારાસભ્ય દળની બેઠક બાદ કાલે રાજ્યપાલ પાસેથી સમય માંગવામાં આવી શકે છે. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારથી આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

 વિજય રૂપાણીના રાજીનામાં બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના અગાઉથી આપી દેવામાં આવી છે. બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ તરફથી ગુજરાતના નવા મુખ્યપ્રધાન નામની જાહેરાત કરવામાં આવશે.

 

gujarat vijay rupani bharatiya janata party ahmedabad