હું નવાનગરી! વાત ભારતની...

17 July, 2026 04:09 PM IST  |  Mumbai | Bespoke Stories Studio

લેખક નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી અને સૈન્ય ઈતિહાસકાર છે.

મનન એસ. ભટ્ટ

પંદરમી સદીમાં જામ શ્રી રાવલજી લાખાજીએ નાગમતી અને રંગમતી નદીઓના સંગમ પર, સૌરાષ્ટ્રના હાલાર પંથકની રાજધાની એવું: નવાનગર વસાવ્યું. જેને પાદર દરિયાલાલના ખારા પાણી એ ધિંગી ધરાને ભીંજવી ગુંજારવ કરે છે એવા, એ નવલા નગરના નામ પરથી આ પ્રદેશ ઓળખાયો નવાનગર સ્ટેટના નામે. લગભગ આઠેક દશક પહેલાની વાત છે, આ નવાનગરના એક રાજવી હતા. તેમનું નામ હતું દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા. પણ માનપૂર્વક તેઓ જામ સાહેબ તરીકે ઓળખાયા.

દ્વિતીય વિશ્વયુદ્ધનાં અંધકારમય દિવસો હતાં. સુદૂર યુરોપનો પોલેન્ડ નામે દેશ - એકાંતની ધરતી, જ્યાં બર્ફીલી હવા નિર્જન વાદ્યોની જેમ ગુંજતી હતી અને હાડ થીજાવતી ઠંડીમાં એકલતાનું સંગીત વહેતું હતું. તેના પર, પહેલાં જર્મનીએ અને પછી રશિયાએ હુમલો કર્યો. મોટી સંખ્યામાં નાગરિકોને જેલમાં ઠૂંસવામાં આવ્યા. તેમના બાળકોને સાઈબેરિયાના બર્ફીલા ગુલાગ કેમ્પો માં ધકેલી દેવામાં આવ્યા. (ગુલાગ એટલે દંડ શિબિરો ની વિશાળ વ્યવસ્થા, જ્યાં રાજકીય કેદીઓ અને ગુનેગારોને ભૂખમરો, ઠંડી, અને અતિશય મજૂરી વેઠવી પડતી. ઇતિહાસ કહે છે કે 1.8 કરોડ જેટલા ગુલાગ મજૂરોમાંથી અંદાજે 12થી 17 લાખ કેમ્પોમાં જ દયનીય હાલતમાં મૃત્યુ પામ્યા.)

પોલેન્ડની સરકાર અને રેડક્રોસે ગુલાગ શિબિરોમાંથી બાળકોને બચાવવા માટે એક યોજના બનાવી અને 2 થી 17 વર્ષના એ બાળકોને સાઈબેરિયાના જંગલોના રસ્તે, ઈરાન (પર્શિયા) થઈને, ક્વેટા થઈને, હવાઈ જહાજો અને ટ્રેનોમાં ભારત તરફ રવાના કરવામાં આવ્યા. દરિયાઈ માર્ગે નીકળેલા ઠંડા પ્રદેશના એ વતનીઓ એક પછી એક ત્રણ જૂથમાં જ્યારે બાલાચડીના કિનારે ઉતર્યા, ત્યારે હાલારના દરિયા કાંઠાની નમકીન અને ગરમ હવાની લહેરખીઓ એ તેમને આવકાર્યા. જામ સાહેબના સૈનિકોએ અડધું વિશ્વ પાર કરીને, પેટમાં ભૂખ અને આંખોમાં આંસુ લઈ આપણા આંગણે આવેલા આ પરદેશી શરણાર્થીઓને કાઠીયાવાડની મહેમાનગતિને છાજે તેમ આવકાર્યા.

"અમારા કાઠિયાવાડ માં કો`ક દિ` ભૂલો પડ ભગવાન, તું થા અમારો મહેમાન, તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું શામળા!"

માત્ર છ અઠવાડિયામાં, હા, માત્ર છ અઠવાડિયામાં! જામ સાહેબના સમર રિસોર્ટ - બાલાચડીની ભૂમિ પર એક પાકી ઈમારતો, ફર્નિચરવાળા ઘર, શાળા, દવાખાનું અને રસોડું ધરાવતું નવું શહેર નિર્માણ પામ્યું. જામ સાહેબે પોતાના બાગ-બગીચા, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પૂલ, બધું જ પૉલેન્ડના બાળકો માટે ખુલ્લું મૂકી દીધું. તેમના મહેલનું મહેમાનગૃહ તો શાળામાં ફેરવાઈ ગયું! કેમ્પના ખર્ચ માટે નવાનગર રાજ્ય ઉપરાંત અન્ય ભારતીય રાજાઓ અને દાતાઓએ મળીને લગભગ છ લાખ રૂપિયા આપ્યા.

ભૂખમરાએ બાળકોના પાચનતંત્રને નબળા બનાવી દીધા હતા. સામાન્ય રોટલી પણ નહીં ખાઈ શકતા. ત્યારે જામ સાહેબે શું કર્યું? તેમણે છેક ગોવાથી સાત રસોઈયાઓ બોલાવ્યા. બાળચડી કેમ્પમાં રાજવીએ કેળાં અને પપૈયાના ઝાડવાં પણ ઉગાડ્યા, જેથી બાળકોને તાજા ફળ મળે. રાજવીના પોતાના સંતાનો પણ આ બાળકો સાથે રમતા. દર રવિવારે સ્થાનિક ગુજરાતી બાળકો સાથે ફૂટબોલ રમવાની વ્યવસ્થા કરવામાં આવી!

એક દિવસ જામ સાહેબ બાળકોને મળવા આવ્યા. તેમણે બાળકોની આંખોમાં જોયું;  તેમાં ડર હતો, ઉદાસી હતી અને, થોડી આશાની ચમક પણ હતી. તેમણે બાળકોને ગળે લગાડ્યા અને કહ્યું: “તમે અનાથ નથી. હવે તમે નવાનગરી છો. અને હું... હું તમારો બાપુ છું!”  તેમની વાત સાંભળીને બધા બાળકો રડી પડ્યા. પણ આ વખતે આંસુ દુઃખના નહીં, ખુશીના હતા!

રાજાએ શાળામાં પોલિશ શિક્ષકોની નિમણૂક કરી. બાળકો પોતાની ભાષામાં ભણતા, પોલિશ કવિતાઓ ગાતા, ક્રિસમસ કેરોલ ગાતા. શરણાર્થી બાળકો ધીમે ધીમે તંદુરસ્ત થવા લાગ્યા. ડૉ. કિરીટ અશનાઈ અને ડૉ. અનંત જોશી બાળકોની સારવાર કરતા. 1942થી 1946 સુધી, લગભગ ચાર વર્ષ; બાલાચડી તેમનું ઘર બની રહ્યું. યુદ્ધ પૂરું થયું. પણ પોલેન્ડમાં હવે કમ્યુનિસ્ટ સરકાર આવી ગઈ હતી. જામ સાહેબે ડર હતો કે આ બાળકોને જબરદસ્તી પાછા મોકલવામાં આવશે. તેમણે એક અદ્ભુત પગલું ભર્યું અને નવાનગરની કોર્ટમાં આ બધા બાળકોને કાયદેસર રીતે પોતાના સંતાન તરીકે દત્તક લીધા! જામ સાહેબ-બાપુ હવે, 650 બાળકોના કાયદેસર પિતા બની ગયા!

ઓગસ્ટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, છેલ્લા 45 વર્ષોમાં પોલેન્ડની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે, ત્યાં જઈ બંને દેશો વચ્ચેના 70 વરસના રાજદ્વારી સંબંધોને વ્યૂહાત્મક પાર્ટનરશિપમાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી. દિલ્હીની ફિલ્મકાર અનુરાધા ભટ્ટાચાર્જીએ "A Little Poland in India" નામની ડોક્યુમેન્ટરી બનાવી.

વડાપ્રધાન મોદીએ "ગુડ મહારાજા"ના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને જામસાહેબના નામે ભારત-પોલેન્ડ યુવા વિનિમય કાર્યક્રમની શરૂઆત કરી. જેમાં પ્રથમ 20 પૉલિશ યુવાનો ફેબ્રુઆરી 2025માં ભારત આવ્યા.

ભારતમાં કદાચ એટલી ચર્ચા થઈ નથી કે બાલાચડી પહોંચેલા તે બાળકોમાં કેટલાક યહૂદી પણ હતા. તેઓ કેથોલિક પોલિશ બાળકો સાથે જ નોંધાયા હતા અને તેમને પોતાની યહૂદી ઓળખ જાહેર ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

નવેમ્બર 2025માં ઇઝરાયેલના નેગેવ પ્રદેશના મોશાવ નેવાતીમ ખાતે જામસાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રતિમા અમેરિકન પરોપકારી જેરી ક્લિંગર અને ઇન્ડિયન જ્યુઇશ હેરિટેજ સેન્ટર ના સહયોગથી સ્થાપિત થઈ હતી.

નેવાતીમની પસંદગી પોતે જ એક પ્રતીકાત્મક સંદેશ આપે છે. 1954 માં કેરળના કોચીનથી આવેલા યહૂદીઓએ આ વસાહત સ્થાપી હતી અને આજે પણ તે સમુદાયના અંતિમ મુખ્ય કેન્દ્રોમાંથી એક છે. આમ, ભારતના એક રાજવીની પ્રતિમા આજે એવા ઇઝરાયેલી ગામમાં ઊભી છે, જેની સ્થાપના ભારતીય મૂળના યહૂદીઓએ કરી હતી.

હવે ઇઝરાયેલ બીજા એક ભારતીય મહાપુરુષનું પણ સન્માન કરવાની તૈયારીમાં છે.  જૂન 2026માં, છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસની વર્ષગાંઠે, મુંબઈ સ્થિત ઇઝરાયેલના કોન્સુલ જનરલે જાહેરાત કરી કે ઇઝરાયેલના એક શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ માટે મહારાષ્ટ્ર સરકાર ઇતિહાસ અને પ્રતિમાની રચના અંગે માર્ગદર્શ આપશે.

આ સંબંધોની મૂળભૂત કડી પણ એ જ પશ્ચિમ કિનારા સાથે જોડાયેલી છે. કોંકણ પ્રદેશના બેને ઇઝરાયેલ યહૂદીઓ - શનિવાર તેલી તરીકે પણ ઓળખાતા હતા અને શનિવારે તેલઘાણીનું કામ બંધ રાખતા. તેઓ મરાઠા નૌકાદળમાં સેવા આપતા. સમુદાયના ઇતિહાસ અનુસાર, એરોન ચુરિકર નામના એક યહૂદી અધિકારી છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળના એક મહત્ત્વના કમાન્ડર હતા. આ સન્માન માત્ર ઐતિહાસિક સ્મૃતિ નથી; પણ આજે વધુ મજબૂત બનેલા આંતરરાષ્ટ્રીય સંબંધોનું પણ પ્રતિબિંબ છે.

ભારત અને પોલેન્ડ 2024માં વ્યૂહાત્મક ભાગીદાર બન્યા. ગયા વર્ષે બંને દેશો વચ્ચેનો વેપાર 6.4 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચ્યો અને પોલેન્ડમાં વિકસિત ડ્રોન હવે ભારતમાં પણ બનાવવામાં આવી રહ્યા છે.

ઇઝરાયેલ સાથે ભારતે સપ્ટેમ્બર 2025 માં રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા, નવેમ્બરમાં મુક્ત વેપાર કરાર અંગે ચર્ચા શરૂ કરી અને તે જ મહિને સંયુક્ત સંરક્ષણ ઉત્પાદન માટેના કરાર પર પણ સહમતિ વ્યક્ત કરી. મુંબઈ સ્થિત ઇઝરાયેલના રાજદૂત યાનીવ રેવાચ ના જણાવ્યા મુજબ, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો હેતુ ભારતીયો અને ઇઝરાયેલીઓ વચ્ચેનો માનવીય અને ઐતિહાસિક સંબંધ વધુ મજબૂત બનાવવાનો છે. ખાસ કરીને એવા ઇઝરાયેલીઓ સાથે, જેમના પરિવારોનું મૂળ ભારત સાથે જોડાયેલું છે.

ભારતમાં પણ આ ગાથાને હવે નવી ઓળખ મળી રહી છે. નવેમ્બર 2025 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના એક મહત્વપૂર્ણ ભાગમાં જામસાહેબની માનવતાભરી સેવાઓને યાદ કરી હતી.

જામ સાહેબના કાયદેસરના સંતાનો એવા આ પૉલિશ બાળકોને પોતાનું ભવિષ્ય પસંદ કરવાનો અધિકાર મળ્યો. કેટલાક પોલેન્ડ ગયા, કેટલાક ઈંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ગયા. તેઓ ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, કલાકાર બન્યા. દરેક શરણાર્થી પૉલિશ બાળકે જીવનપર્યંત પોતાની સાથે એક નાનું ઓળખપત્ર રાખ્યું, જેના પર લખ્યું હતું: ‘નવાનગરી’. એ 650 બાળકો કાયમ માટે ‘નવાનગરી’ બની રહ્યા. 

સમય વીત્યો. બાલાચડીની શરણાર્થી શિબિર બંધ થઈ. આજે તે જ જગ્યાએ સૈનિક શાળા, બાલાચડી (સ્થાપના ૧૯૬૧) આવેલી છે. ગુજરાતની એકમાત્ર સૈનિક શાળા! જ્યાં ક્યારેક શરણાર્થીઓના બેરેક હતા, ત્યાં આજે ભારતીય સેનાના ભાવી સૈનિકો તાલીમ લે છે. 

પણ જામ સાહેબની માનવતાની એ ગાથા ભૂલાઈ નથી: પોલેન્ડમાં, વોર્સોના ઓચોટા વિસ્તારમાં "ગુડ મહારાજા સ્ક્વેર" (Dobry Maharaja) છે. 2011માં પોલેન્ડે જામ સાહેબને ઓર્ડર ઓફ મેરીટ આપીને સત્તાવાર રીતે સન્માનિત કર્યા.ઈઝરાયેલમાં જામ સાહેબની પ્રતિમા સ્થાપિત થઈ રહી છે. 2018માં, પોલેન્ડની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બાલાચડીમાં આશ્રય પામેલા કેટલાક પોલિશ શરણાર્થીઓ; હવે લગભગ 90 વર્ષની ઉમરે, ફરીથી બાલાચડી આવ્યા. આ પ્રસંગે સ્મારકની સ્થાપના કરવામાં આવી અને જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાના માનવતાભર્યા કાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વૃદ્ધત્વને ઉંબરે બેસેલા જામસાહેબના એ પૉલિશ સંતાનો ભારત આવીને રડી પડ્યા. તેમનું રુદન ભૂતકાળના દુઃખનું નહોતું, જામ સાહેબ બાપુના પ્રેમના સ્મરણનું હતું. એક વૃદ્ધે લખ્યું: “અમે અડધું વિશ્વ પાર કરીને ભારત આવ્યા હતા. પણ જામ સાહેબે અમને એક વાત શીખવી,  કે દુનિયામાં કોઈ પણ અનાથ નથી, જ્યાં સુધી કોઈકના હૃદયમાં જગ્યા હોય.”

કોઈ વિદેશ મંત્રાલય વિના, કોઈ ઔપચારિક રાજદ્વારી માળખા વિના, માનવતાના આધારે અપનાવવામાં આવેલો જામ સાહેબનો નિર્ણય આજે પણ ભારત માટે વિશ્વમાં સન્માન, વિશ્વાસ અને મિત્રતાનું ફળ આપી રહ્યો છે.

જય હિંદ! જય પોલેન્ડ! જય ઇઝરાયેલ!

લેખક નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી અને સૈન્ય ઈતિહાસકાર છે.

jamnagar narendra modi indian navy israel gujarat news gujarati mid day