17 September, 2026 12:18 PM IST | Ambaji | Gujarati Mid-day Correspondent
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. મોહનથાળના પ્રસાદના ૪૦ લાખ પૅકેટ બનાવવામાં આવશે.
ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ૨૦ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે. લાખ્ખો માઈભક્તો પદયાત્રા કરીને આદ્યશક્તિ અંબે માતાજીનાં દર્શન કરવા માટે અને નવરાત્રિમાં પોતાને ત્યાં ગરબે રમવા આવે અેવું હેતપૂર્વક ભાવભીનું આમંત્રણ આપવા માટે અંબાજી મંદિરે પહોંચશે.
આસ્થા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતા ભાદરવી પૂનમના મેળાની વિગતો આપતાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કહ્યું હતું કે ‘માઈભક્તોને કોઈ તકલીફ ન પડે એ રીતે વ્યવસ્થાઓ જળવાય એવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની વ્યવસ્થાઓ માટે ૨૯ સમિતિઓની રચના કરી છે. જો હવામાન સાફ રહેશે તો ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે અંબાજી મંદિર ખાતે ડ્રોન શોનું આયોજન કરાશે. ગબ્બર પર વિશેષ રોશની કરાઈ છે. મેળામાં આવતા પદાયાત્રીઓ માટે રૂપિયા ૧૦ કરોડનું વીમાકવચ લેવામાં આવ્યું છે. પદયાત્રી બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક બે લાખ રૂપિયાની વીમાસહાય આપવામાં આવશે.’
જાણવા જેવું
૭૫૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાથી સમગ્ર મેળાનું મૉનિટરિંગ કરવામાં આવશે.
૫૦૦૦ જેટલા પોલીસજવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડેસવાર પોલીસજવાનો ફરજ બજાવશે.
અંબાજીથી ૬૦ કિલોમીટરના વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરાશે.
આશરે ૨૦૦૦ સફાઈ-મિત્રો ૧૩૫થી વધુ ટ્રૅક્ટરોની મદદથી સફાઈ કરશે.