18 November, 2025 08:35 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
પત્ની નયના ખાંભલા, દીકરો ભવ્ય અને દીકરી પૃથા.
સૌરાષ્ટ્રના ભાવનગરમાંથી રવિવારે મળી આવેલી માતા અને બે સંતાનોની લાશનો ગઈ કાલે ભેદ ઉકેલાયો છે. પતિ અને પિતા ખુદ જ પરિવારના હત્યારા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમાજ હચમચી ગયો છે. ભાવનગરમાં રહેતા અને ફૉરેસ્ટ વિભાગમાં અસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (ACF) શૈલેશ ખાંભલાએ તેની પત્ની, પુત્રી અને પુત્રનું તકિયા વડે મોં દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. આ હત્યારો પિતા એવો નિર્દય બની ગયો હતો કે ૯ વર્ષના પુત્ર અને ૧૩ વર્ષની પુત્રીને જીવતે જીવ મારી નાખતાં વિચાર ન કર્યો. પોલીસે ઝડપી લીધો ત્યારે પ્રાથમિક તબક્કે ઘર-કંકાસમાં તેણે તેના પરિવારના સભ્યોને મારી નાખ્યા હોવાની કબૂલાત કરી હતી.
ભાવનગરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) નીતેશ પાંડેએ કહ્યું હતું કે ‘શૈલેશ ખાંભલાએ ૫ નવેમ્બરે સવારે તેમનાં પત્ની નયનાબહેન અને દીકરા, દીકરીનાં મર્ડર કરી નાખ્યાં હતાં. પહેલાં પત્નીનું તકિયાથી મોં દબાવી મર્ડર કરી નાખ્યું, પછી દીકરા અને દીકરીનાં મર્ડર કરી નાખ્યાં હતાં. પતિ-પત્ની વચ્ચે ઘર-કંકાસ હતો. વાઇફનો આગ્રહ હતો કે પતિ તેની સાથે રહે અને પતિનું કહેવાનું હતું કે વાઇફ સુરતમાં રહે. આને લઈને ઘણા દિવસથી ઘર-કંકાસ ચાલતો હતો અને એટલા માટે ત્રણેયનું મર્ડર કર્યું હતું. તેણે ૨ નવેમ્બરે ખાડો ખોદાવ્યો હતો એટલે તેના પ્લાનિંગના ઍન્ગલ પર પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’
ઘરથી થોડે દૂર પથ્થરો બાંધીને લાશોને દાટી દીધી
આરોપી શૈલેશ ખાંભલાનો પરિવાર સુરત રહેતો હતો અને દિવાળીમાં ભાવનગર આવ્યો હતો. આ પરિવાર દિવાળી બાદ સુરત જવા રવાના થયા પછી ગુમ થયો હતો. તપાસ કરી રહેલી પોલીસને બાતમી મળી હતી કે જે પરિવારના સભ્યો ગુમ થયા છે તેમના ઘરની પાસે થોડા દિવસ પહેલાં ખાડો ખોદાયો હતો અને પછીથી એ પૂરી દેવામાં આવ્યો છે. એથી પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને જ્યાં ખાડો ખોદાયો હતો ત્યાં ફરી વાર ખોદકામ કરતાં અંદરથી પથ્થરો બાંધેલી ત્રણ લાશો મળી આવી હતી જે ગુમ થયેલા પરિવારના સભ્યોની હતી. ઘર નજીકથી જ પરિવારના સભ્યોના મૃતદેહો મળી આવતાં શૈલેશ ખાંભલા શંકાના દાયરામાં આવી ગયો હતો અને અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.