18 August, 2026 10:27 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
પાંજરામાંથી કૂદકો મારીને બહાર નીકળી રહેલું કાળિયાર. બન્નીમાં છોડાયેલાં કાળિયાર.
કચ્છના બન્નીમાં ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમ મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુથી ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા સ્વાતંત્ર્ય પર્વના દિવસે ૨૦ કાળિયારને બન્ની ગ્રાસલૅન્ડમાં છોડવામાં આવ્યાં હતાં.
બન્ની ગ્રાસલૅન્ડના નાયબ વનસંરક્ષક નેવિલ ચૌધરીએ કહ્યું હતું કે ‘બન્નીમાં ચિત્તા સંરક્ષણ – સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત અહીંની ઇકોસિસ્ટમને મજબૂત કરવા તૃણાહારી પ્રાણીઓનો વસવાટ કરાવવામાં આવી રહ્યો છે જે હેઠળ વનતારાથી વિશેષ અૅમ્બ્યુલન્સ વૅન દ્વારા ૨૦ કાળિયારને લાવીને તેમને બન્નીના ઘાસિયા મેદાનમાં કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યાં હતાં.’
ચિત્તા માટે ઇકોસિસ્ટમ ઊભી કરવાના ભાગરૂપે બગડિયા વિસ્તારમાં ગ્રાસલૅન્ડ રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે જે હેઠળ ૬૬૦ એકરમાં વિવિધ દેશી ઘાસના વાવેતર અને ઉછેર સાથે હેલ્થ મૉનિટરિંગ માટે પશુ હૉસ્પિટલ, દવા, સાધનો, ડૉક્ટરની ટીમ તહેનાત કરાઈ છે. અગાઉનાં અને તાજેતરનાં મળીને ૨૦૦થી વધુ કાળિયાર ચિત્તા સંવર્ધન કેન્દ્ર ખાતે વિચરી રહ્યાં છે અને ટૂંક સમયમાં ચિત્તાનું બન્નીમાં આગમન થશે.