08 March, 2026 07:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા માટે દુનિયાભરમાંથી ક્રિકેટચાહકો અમદાવાદ ઊમટી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સલામતીને લઈને સઘન બંદોબસ્ત ગોઠવાયો છે અને ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS) તહેનાત રહેશે. બીજી તરફ મોટા પાયે
ક્રિકેટ-ફૅન્સનો ધસારો હોવાથી હોટેલોના ભાવ આસમાનને આંબી ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને આસપાસમાં ઉચ્ચ પોલીસ-ઓફિસરો સહિત ૩૦૦૦ પોલીસ-કર્મચારીઓ તેમ જ ૧૦૦૦ હોમગાર્ડ્સ જવાનો ખડેપગે રહેશે. ૩ ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ, ૮ BDDS ટીમ, ડૉગ-સ્ક્વૉડ સ્ટેડિયમના ખૂણેખૂણે ફરી વળશે. સ્ટેડિયમની ફરતે અને આસપાસ ૨૫૬ CCTV કૅમેરાથી નજર રાખવામાં આવશે.
ફાઇનલ મૅચમાં ભારતની ટીમ આવી હોવાથી દેશ અને દુનિયામાંથી અમદાવાદમાં મૅચ જોવા ધસારો થયો છે ત્યારે હોટેલોના રેન્ટમાં ત્રણથી ચાર ગણો ઉછાળો આવ્યો છે અને હોટેલોમાં જગ્યા મળવી મુશ્કેલ થઈ ગઈ છે. સામાન્ય રીતે ૨૦૦૦થી ૫૦૦૦ રૂપિયાના ભાડામાં મળતી હોટેલના રૂમના ભાવ ૮૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયાએ પહોંચ્યા છે તો એનાથી મોટી સ્ટાર હોટેલોમાં ભાવ ૧૫,૦૦૦થી ૮૦,૦૦૦ રૂપિયા થઈ ગયા છે.