14 October, 2025 10:31 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
સાસણગીરની ઊંચા ભાવે બ્લૅકમાં ટિકિટ વેચતા ૩ આરોપીઓ સાથે પોલીસ.
દિવાળી અને ક્રિસમસ ફેસ્ટિવલ દરમ્યાન સૌરાષ્ટ્રમાં આવેલા સાસણગીરના જંગલમાં એશિયાટિક લાયનને જોવા માટે સહેલાણીઓનો ભારે ધસારો રહે છે ત્યારે આ વર્ષે સાસણગીરમાં ગીર જંગલ સફારી અને દેવળિયા પાર્કમાં સિંહ જોવા બુકિંગ માટે ટિકિટોનું ઍડ્વાન્સમાં સ્લૉટ-બુકિંગ કરીને સહેલાણીઓ પાસેથી એના પંદરથી ૨૦,૦૦૦ રૂપિયા વસૂલ કરવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં અમદાવાદ અને સાસણગીરની બે ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના ૩ આરોપીઓને ગાંધીનગર સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલે ઝડપી લીધા છે.
ગીર સફારી આ વર્ષે હજી ગયા અઠવાડિયે જ પબ્લિક માટે ખુલ્લું મુકાયા બાદ ટિકિટ ન મળતી હોવાની ફરિયાદો થઈ હતી. એને લઈને સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલે તપાસ કરીને ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીથી ૨૦૨૫ની ૩૦ ડિસેમ્બર સુધીના ઍડ્વાન્સમાં થયેલા બુકિંગનો ડેટા મેળવ્યો હતો. એ તપાસમાં કુલ ૮૩,૦૦૦થી વધુ પરમિટ બુકિંગ થયું હોવાનું જણાઈ આવ્યું હતું. આ બુકિંગમાંથી ૧૨,૮૦૦ ટિકિટો અનઑફિશ્યલી બુક થઈ હોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે તપાસ કરતાં એ. બી. ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ તેમ જ નાઝ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની સંડોવણી જણાઈ આવી હતી. પોલીસે અમદાવાદથી અલ્પેશ ભલાણી તેમ જ સાસણગીરથી સુલતાન બલોચ અને એજાઝ શેખની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ ગીર જંગલ સફારી અને દેવળિયા પાર્ક ખાતે જિપ્સી બુકિંગ માટે ખોટી ઓળખ આપીને સરકારી વેબસાઇટ પરથી ઍડ્વાન્સમાં બલ્કમાં સ્લૉટ-બુકિંગ કરીને કૃત્રિમ અછત ઊભી કરી હતી. બીજી તરફ આરોપીઓ સરકારી જેવા ભળતા નામે બે વેબસાઇટ ખોલીને ગેરકાયદે ટિકિટો બુક કરતા હતા. આરોપીઓએ બુકિંગ કરવા માટે ૧૫થી ૨૦ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો. ફેસ્ટિવલનો ટાઇમ હોવાથી આ લોકો ટિકિટના મૂળ ભાવ કરતાં આઠથી નવગણા ભાવથી ટિકિટ વેચતા હતા. એટલું જ નહીં, ક્રિસમસની સીઝન માટેની ટિકિટો પણ વેચી છે. આરોપીઓએ પંદરથી ૨૦,૦૦૦ રૂપિયામાં ટિકિટો વેચી છે.