કચ્છની સરદાર પોસ્ટ પર પાકિસ્તાનના લશ્કરને પીછેહઠ કરાવનાર CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ

10 April, 2026 12:50 PM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

૧૯૬૫માં ભારત-પાકિસ્તાન સરહદે CRPFના માત્ર ૧૫૦ જવાનોએ પાકિસ્તાનના ૩૦૦૦ સૈનિકોનો બહાદુરીપૂર્વક સામનો કરીને તેમને ખદેડ્યા હતા

CRPF, BSF અને પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

 ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન સરહદે CRPFના માત્ર ૧૫૦ જવાનોએ પાકિસ્તાનના ૩૦૦૦ સૈનિકોનો બહાદુરીપૂર્વક સામનો કરીને તેમને ખદેડ્યા હતા એની યાદમાં યોજાય છે શૌર્યદિન 
 પાકિસ્તાને કરેલા ડેઝર્ટ હૉક ઑપરેશનમાં તેમના ૩૪ સૈનિકોનાં થયાં હતાં મોત, જ્યારે ૪ પાકિસ્તાની સૈનિકો જીવતા પકડાયા હતા : આ જંગમાં ભારતના ૭ જવાનો થયા હતા શહીદ

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા કચ્છની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સરદાર પોસ્ટ ખાતે ગઈ કાલે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. CRPFના ઉચ્ચ અધિકારીઓ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં CRPFની સાથે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) અને પોલીસ વિભાગ તેમ જ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.  

૧૯૬૫માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ડેઝર્ટ હૉક ઑપરેશનનો પ્રતિકાર કરીને સરદાર પોસ્ટ ખાતે CRPFની બટૅલ્યને વીરતા દાખવીને દુશ્મનની બ્રિગેડને પીછેહઠ કરવા મજબૂર કરી હતી. આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરીને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા CRPF મુંબઈ ક્ષેત્રના ઇન્સ્પેક્ટર જનરલ (IG) વીરેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે ‘એ સમયની વિકટ પરિસ્થિતિમાં CRPFના જવાનોએ ૩૦૦૦થી વધારે દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી. ચારે બાજુથી ઘેરાયેલા હોવા છતાં દુશ્મનોને પડકાર ફેંકીને દેશ પ્રત્યે સર્વસ્વ ન્યોછાવર કરવાના જોમ સાથે CRPFના જવાનોની બહાદુરી અને ભારત દેશની એક ઇંચ પણ જમીન નહીં આપવાના દૃઢ નિશ્ચય સામે દુશ્મનની ફોજની હાર થઈ હતી. શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ. CRPFની એક નાનકડી ટુકડીની ગાથા સમગ્ર ભારતીયો માટે ગર્વ સમાન છે.’ દર વર્ષે ૯ એપ્રિલે CRPF દ્વારા આ શૌર્ય દિવસની ઉજવણી થાય છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. 

પાકિસ્તાને હુમલો કર્યો હતો, પણ એણે ભાગવું પડ્યું 
ઉલ્લેખનીય છે કે ૧૯૬૫ના યુદ્ધમાં પાકિસ્તાનની ૩૦૦૦થી વધુ સૈનિકો ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ પર હુમલો કર્યો હતો. CRPFના જવાનો એ સમયે માત્ર ૧૫૦ની સંખ્યામાં હાજર હતા છતાં તેમણે નિર્ભીકતાથી અને સૂઝબૂઝથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. CRPFના વળતા પ્રહારથી પાકિસ્તાનના ૩૪ સૈનિકો માર્યા ગયા હતા અને દુશ્મનના લશ્કરે ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો હતો. દુશ્મનની સાથે લડતા-લડતા CRPFની બીજી બટૅલ્યનના ૭ જવાનો શહીદ થયા હતા. CRPFએ ૪ પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડ્યા હતા.     

gujarat news gujarat kutch indian army ind pak tension