16 November, 2025 07:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ દ્વારા ગયા વર્ષે યોજાયેલાં સમૂહલગ્નનાં વર-વધૂની તસવીર.
અમદાવાદનું તુલસી ક્યારો ગ્રુપ પાંચ વર્ષથી આયોજન કરે છે એવાં સમૂહલગ્નનું જેમાં પિતા ન ધરાવતી દીકરીઓના હર્ષોલ્લાસથી લગ્ન કરવાના કોડ પૂરા થાય છે : આજે યોજાઈ રહ્યો છે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ : આ આયોજનમાં સોના-ચાંદીના દાગીના, કિચન-સેટ, ૧૧ જોડી કપડાં, ફૅન, ટીવી, ફ્રિજ, ડબલ-બેડ, તિજોરી, ડિનર-સેટ સહિતની ભેટ-સોગાદો મળશે દીકરીઓને
અમદાવાદના સીમાડે આજે યોજાવા જઈ રહેલાં સમૂહલગ્ન નોખી ભાત પાડવા સાથે સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વની મિસાલ બની રહેશે. મોંઘવારીના આજના સમયમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ૧૪ દીકરીઓનાં હર્ષોલ્લાસ સાથે લગ્ન કરવાના કોડ અધૂરા ન રહી જાય એ માટે અમદાવાદની તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ આ દીકરીઓનાં આજે સમૂહલગ્ન કરાવશે. તુલસી ક્યારો ગ્રુપની આ આવકારદાયક સામાજિક પહેલ સમાજને રાહ ચીંધી રહી છે.
અમદાવાદમાં રિંગ રોડ પાસે આવેલા ફાર્મમાં તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ-લગ્નોત્સવ યોજાશે. આ સમૂહ-લગ્નોત્સવની વિશેષતા એ બની રહેશે કે એમાં તુલસીવિવાહ યોજાશે અને એની સાથે-સાથે કોડભરી ૧૪ કન્યાઓનાં પણ માંગલિક પ્રસંગો સાથે ઉલ્લાસપૂર્ણ માહોલમાં લગ્ન થશે.
તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિના જગત પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેમના પિતા નથી એવી ૧૪ દીકરીઓનાં સમૂહલગ્ન આજે યોજાશે. આ માટે દીકરીઓ કે તેમની ફૅમિલી પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી. છેલ્લાં પાંચ વર્ષથી અમે પિતા વગરની દીકરીઓનાં ધામધૂમથી લગ્ન કરાવીએ છીએ. દીકરીઓની લગ્નના મંડપમાં એન્ટ્રી થાય ત્યારે અને ફેરા ફરે ત્યારે આતશબાજી થશે. લગ્નગીતોનો લાઇવ કાર્યક્રમ યોજાશે. પોતાની દીકરીને પરાણાવતા હોઈએ એ ભાવ સાથે લગ્ન કરાવવાના છીએ. પિતા વગરની દીકરીઓનાં સમૂહલગ્ન યોજાઈ રહ્યાં છે ત્યારે એ જાણીને અનેક દાતાઓ આગળ આવ્યા છે. એથી સોના-ચાંદીના દાગીના, ૧૧ જોડી કપડાં, કિચન-સેટ, ફૅન, ટીવી, ફ્રિજ, ડબલ-બેડ, તિજોરી, ડિનર-સેટ સહિતની અનેક ભેટ-સોગાદો દાતાઓ તરફથી દીકરીઓને મળશે. પંડિતો પણ એક રૂપિયો ચાર્જ કર્યા વગર લગ્નવિધિ કરી આપવાના છે. અમે જે દુકાનમાં ખરીદી કરવા ગયા ત્યાં પણ આ સમૂહલગ્નની વાત જાણીને દુકાનદારો અમને ડિસ્કાઉન્ટ કરી આપે છે. આ લગ્નમાં તુલસીવિવાહ થશે અને માતાજીની સાથે ૧૪ દીકરીઓનાં પણ લગ્ન થશે.’
પિતા વગરની દીકરીઓનાં લગ્ન કરાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે વ્યવસાયે અૅડ્વોકેટ જગત પટેલે કહ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં અમારા ગ્રુપના બધા મિત્રો બેઠા હતા અને વાત નીકળી કે મોંઘવારી વધે છે એટલે સંતાનોનાં લગ્ન કરાવવામાં પિતાને તકલીફ પડે તો જે દીકરીઓના પિતા ન હોય એટલે કે મૃત્યુ પામ્યા હશે એવી દીકરીઓની શું હાલત થતી હશે? જે દીકરીના પિતા ન હોય તો તેની ફૅમિલીને લગ્ન પાછળ ઓછામાં ઓછો પાંચ-છ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે એ કેવી રીતે કરી શકતા હશે? આ વાતમાંથી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓ માટેનાં સમૂહલગ્નનો વિચાર આવ્યો અને ૨૦૨૦થી અમે સમૂહલગ્નનું આયોજન શરૂ કર્યું હતું. મિત્રો દ્વારા અમને સપોર્ટ મળતો ગયો અને અત્યાર સુધીમાં ૭૫થી વધુ દીકરીઓનાં લગ્ન કરાવ્યાં છે. આ લગ્નમાં જ્ઞાતિનો બાધ રાખ્યો નથી. કન્યા અને વર પક્ષ તરફથી ૫૦–૫૦ માણસોને લાવવાની છૂટ આપીએ છીએ અને કન્યા કે વર પક્ષ પાસેથી એક રૂપિયો પણ ચાર્જ નથી કરતા. કન્યાદાનથી બીજું મોટું કોઈ દાન નથી એટલે જેટલું થાય એટલું અમે કરીએ છીએ.’