એવી કંકોતરી જેને લગ્ન પછી વાવશો તો ઊગશે તુલસી

26 November, 2021 08:17 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

પ્રકૃતિપ્રેમીએ ગાયના ગોબર અને બીજમાંથી દીકરીનાં નોખી કંકોતરી બનાવી

લગ્નની ગાયના ગોબર, વનસ્પતિઓનાં બીજમાંથી બનાવેલી કંકોતરી.

ગુજરાતના ઉપલેટામાં રહેતા ગૌપ્રેમી અને પ્રકૃતિપ્રેમી સુનીલ ધોળકિયાએ દીકરીનાં લગ્ન પ્રસંગે ગૌમાતાના મહિમાનું ગાન કરતાં ગાયના ગોબર અને વિવિધ વનસ્પતિઓનાં બીજમાંથી નોખી કંકોતરી બનાવી છે. ગુજરાતમાં સંભવિત રીતે આવી કંકોતરી પહેલી વાર બની છે જેની અચરજ પમાડે એવી વિશેષતા છે. કુટુંબીજનો અને સ્નેહીજનોને લગ્ન બાદ કંકોતરીને માટીમાં વાવવા અપીલ કરી છે, કારણ કે જમીનમાં વાવેલી કંકોતરીમાંથી તુલસી સહિતના છોડ ઊગશે અને એ રીતે પ્રકૃતિનું જતન થશે.
આજે જેમની દીકરી ધ્રુવીનાં લગ્ન છે એ ઉપલેટામાં રહેતા સુનીલ ધોળકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકો ગાયનું મહત્ત્વ સમજે એ હેતુથી આ કંકોતરી બનાવી છે. મને જયપુરથી આ પ્રકારની લગ્નની કંકોતરીની ખબર પડી હતી જે મને ગમી ગઈ હતી. મારે ઘરે સાત ગાય છે એટલે મને આ આઇડિયા પસંદ પડ્યો હતો. ગાયનું ગોબર અને વિવિધ વનસ્પતિનાં બીજને મિક્સ કરી પેપર બનાવી કંકોતરી બનાવવાની વાત મારી દીકરી ધ્રુવીને કરી હતી તો તેને પણ આ આઇડિયા પસંદ પડ્યો હતો. દીકરીના લગ્નપ્રસંગમાં આવી કંકોતરી બને એનાથી પવિત્ર અને રૂડું બીજું શું હોઈ શકે. ગાયના ગોબરના પેપરમાં તુલસી, જીરું, ગુંદા સહિતની વનસ્પતિનાં બીજ નાખ્યાં હતાં અને એને મિક્સ કરીને ૬૦૦ કંકોતરી બનાવી છે. ગાયોના ગોબર અને વિવિધ વનસ્પતિઓનાં બીજ દ્વારા કંકોતરી બનાવી છે એને યોગ્ય જગ્યાએ જમીનમાં વાવશો તો એમાં રહેલાં બીજના કારણે તુલસી, ગુંદા, વરિયાણી, જીરા જેવા નાના છોડ ઊગશે. ગાયોનું મહત્ત્વ અને સંરક્ષણ વધે તેમ જ પ્રકૃતિનું મહત્ત્વ આપણે સૌ સમજીને સ્વીકારીએ એ ઉદ્દેશ આ કંકોતરી બનાવવા પાછળનો છે. આજે મારી દીકરી ધ્રુવીનાં લગ્ન છે એ પછી આ કંકોતરીને માટીમાં વાવવા સૌને અપીલ કરી છે. એમાંથી તુલસી, વરિયાણી, જીરું સહિતના છોડ ઊગશે. આવી કંકોતરી પહેલી વાર ગુજરાતમાં બની છે.’
ઉલ્લેખનીય વાત એ છે કે આજે યોજાનારાં લગ્નના મંડપમાં શેરડીના સાંઠાનો ઉપયોગ કરવાનો છે. શેરડીના સાંઠા ગોઠવીને મંડપ બનાવવામાં આવશે. લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ આ શેરડીના સાંઠાને પશુઓને ખવડાવી દેવામાં આવશે. આવા પ્રસંગોમાં એકબીજા સાથે ગૌમાતા અને પ્રકૃતિની બાબતોનું આદાનપ્રદાન થાય એ મારે કરવું છે, એવું પણ સુનીલ ધોળકિયાએ કહ્યું હતું.

gujarat news gujarat ahmedabad shailesh nayak