ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શકમંદોના આપઘાતથી ચકચાર

22 July, 2021 12:00 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

આદિવાસી સમાજના ટોળા પોલીસ સ્ટેશને ઊમટતાં સત્તાવાળાઓએ પોલીસની ફોજ ગોઠવવી પડી છે

પ્રતીકાત્મક તસવીર

મોટરસાઇકલની ચોરીના ગુનામાં દક્ષિણ ગુજરાતના ચીખલી પોલીસ સ્ટેશનમાં લવાયેલા રવિ જાદવ અને સુનીલ પવાર નામના બે શકમંદોએ ગઈ કાલે પોલીસ સ્ટેશનના કમ્પ્યુટર-રૂમમાં આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. બે આદિવાસી યુવકના અપમૃત્યુને લઈને બે વિધાનસભ્યો સહિત આદિવાસી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પર ઊમટી આવ્યા હતા, જેના કારણે પોલીસ સ્ટેશન પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટનાની તપાસ નવસારી ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે મીડિયાને કહ્યું હતું કે ‘મોટરસાઇકલ ચોરીના બે શકમંદને ચીખલી પોલીસ સ્ટેશન લવાયા હતા. વધુ પૂછપરછ માટે તેમને કમ્પ્યુટર-રૂમમાં રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે સવારના સમય દરમ્યાન શકમંદોએ કમ્પ્યુટર-રૂમમાં વાયર હતો તેના વડે પંખા પર લટકી ગળાફાંસો ખાધો હતો. આ કેસમાં અકસ્માતે મોત નોંધીને તેની તપાસ નવસારી ડીવાયએસપી દ્વારા કરવામાં આવી રહી છે.’
વાંસદાના વિધાનસભ્ય અનંત પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ‘એસપીને અમે મળ્યા છીએ. તેમણે કહ્યું છે કે ચાર પ્રકારની ટીમ બનાવી તપાસ કરવામાં આવશે. સમગ્ર આદિવાસી સમાજ જે અપમૃત્યુ થયું છે તેમાં શંકા ઉત્પન્ન કરે છે અને તમામ કાર્યવાહી પર આદિવાસી સમાજના આગેવાનોની નજર રહેશે.’
વિધાનસભ્ય નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ‘આ કેસમાં નિષ્પક્ષ રીતે ન્યાય મળે તવી માગણી છે.’

Gujarat shailesh nayak