12 June, 2026 09:17 AM IST | London | Gujarati Mid-day Correspondent
પત્ની તથા પુત્રી સાથે ઋષભ પટેલ.
અમદાવાદ નજીકના પુંધરા ગામના અને હાલ યુનાઇટેડ કિંગડમના મિલ્ટન કેન્સમાં પત્ની મિલી અને ૧૮ મહિનાની દીકરી વ્રુમી સાથે સ્થાયી થયેલા ૨૮ વર્ષના ઋષભ પટેલનું બે વ્યક્તિને ડૂબતી બચાવતી વખતે કરુણ મોત થયું હતું. પોતાના અંતિમ શ્વાસ સુધી પરોપકારની ભાવના રાખનારા આ બહાદુર યુવાનના પરિવારે મરણોત્તર તેના અવયવોનું દાન કરીને અન્ય પાંચથી ૬ લોકોને નવું જીવન પણ આપ્યું છે.
૨૬ મેએ ઋષભ તેના પરિવાર સાથે ફૅમિલી પિકનિક પર ગયો હતો. આ દરમ્યાન ગ્રુપના બે સભ્યો પાણીમાં અચાનક ડૂબવા લાગ્યા હતા. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઋષભે પાણીમાં ઝંપલાવ્યું હતું અને બન્નેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે રેસ્ક્યુના આ પ્રયાસ દરમ્યાન તેને અચાનક કાર્ડિઍક અટૅક આવ્યો હતો. તેને તાત્કાલિક ઍરલિફ્ટ કરીને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બે દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ ૨૮ મેએ ડૉક્ટરોના અથાગ પ્રયાસો છતાં તેણે દમ તોડ્યો હતો.
મદદનો ધોધ
ઋષભના આ અસાધારણ બલિદાનથી સ્તબ્ધ બ્રિટિશ અને ભારતીય સમુદાયે પરિવારની સહાય માટે એક ઑનલાઇન પોર્ટલ પર ફન્ડ-રેઇઝિંગ શરૂ કર્યું છે. આ કમ્યુનિટી ફન્ડમાં ટૂંક સમયમાં જ ૨૬,૦૦૦ પાઉન્ડ (આશરે ૩૦ લાખ રૂપિયાથી વધુ)ની આર્થિક મદદ એકઠી થઈ ગઈ છે. આ રકમનો ઉપયોગ અંતિમ સંસ્કાર માટે અને પિતાની છત્રછાયા ગુમાવનાર માસૂમ બાળકીના ભવિષ્ય માટે કરવામાં આવશે.