16 June, 2025 06:56 AM IST | Ahmedabad | Shailesh Nayak
નાની ઇલાબા સાથે હીર અને ધીર.
લંડનમાં રહેતી હીર અને ધીર તેમની મમ્મી કોશા બક્ષી સાથે વડોદરામાં રહેતાં નાનીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ લંડનથી વડોદરા આવી હતી. જોકે આ બે બહેનોને શું ખબર કે તેમના જીવનનું આ છેલ્લું સેલિબ્રેશન છે. નાની માટે લંડનથી આવેલી અને પાછી લંડન જઈ રહેલી હીર અને ધીર બક્ષી પ્લેન દુર્ઘટનાનો ભોગ બનતાં કાળજાના કટકા જેવી દીકરીઓ એકસાથે કાળનો કોળિયો બની ગઈ હતી અને પરિવાર પર વજ્રાઘાત થયો હતો. એકની એક બે બહેનોની દુનિયામાંથી એક્ઝિટ થવાથી હસતી-રમતી બક્ષી ફૅમિલી વીંખાઈ ગઈ છે.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની બીજી બાજુ એ પણ છે કે લંડનમાં સ્થાયી થયેલી બક્ષી ફૅમિલીના ત્રણ સભ્યો મમ્મી કોશા તથા બે દીકરીઓ હીર અને ધીર થોડા દિવસ પહેલાં લંડનથી વડોદરા આવ્યાં હતાં, પરંતુ પાછા ફરતાં મમ્મી કોશા રોકાઈ ગઈ હતી અને આવતા ગુરુવારે લંડન જવાની હતી. જો મમ્મી પણ બે દીકરીઓ સાથે લંડન જવા રવાના થઈ હોત તો આજે કંઈક બીજી વાસ્તવિકતા સામે હોત.
બક્ષી પરિવારનાં કુટુંબીજન તોરલ રિંદાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લંડનમાં રહેતી બહેનો હીર અને ધીર તેમની મમ્મી કોશા સાથે અઠવાડિયા પહેલાં આવી હતી. વડોદરામાં રહેતાં હીર અને ધીરનાં નાની ઇલાબાની ૧૧ જૂને ૭૫મી વર્ષગાંઠ હતી અને એની ઉજવણી પ્રસંગે બે બહેનો ખાસ લંડનથી આવી હતી, જ્યારે તેમના પિતા ચેતન બક્ષી લંડનમાં જ હતા. વર્ષગાંઠની ઉજવણી બાદ હીર અને ધીર લંડન જવા રવાના થઈ હતી, જ્યારે તેમની મમ્મી તેમની સાથે જવાની નહોતી પરંતુ થોડા દિવસ રોકાવાની હતી. તેણે લંડન જવા માટે આવતા ગુરુવારની ટિકિટ બુક કરાવી હતી. આ બે દીકરીઓમાંથી હીર નોકરી કરે છે અને ધીરનો અભ્યાસ હમણાં જ પૂરો થયો હતો. હીરની નોકરીને કારણે હીર અને ધીર સાથે લંડન જવા રવાના થઈ હતી, પરંતુ અમદાવાદમાં પ્લેન ક્રૅશ થયું અને ન બનવાનું બની ગયું. બક્ષી પરિવારમાં આ બે બહેનો હતી. તેમને કોઈ ભાઈ નથી એટલે એકસાથે બે બહેનોનાં મૃત્યુથી પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.’