24 July, 2026 07:16 AM IST | Navsari | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વાપીમાં એક ખુલ્લા પ્લૉટમાં પાર્ક થયેલી ગાડીઓ ડૂબી ગઈ હતી.
ઉમરગામમાં આભ ફાટ્યું: ૨૪ કલાકમાં પડ્યો અધધધ ૧૦૬૪ મિલીમીટર વરસાદ: ભારતમાં ૨૪ કલાકમાં પડેલો અત્યાર સુધીનો થર્ડ-હાઇએસ્ટ વરસાદ : મુંબઈના ૨૦૦૫ની ૨૬ જુલાઈ કરતાં પણ વધારે
મુંબઈમાં ૨૦૦૫ની ૨૬ જુલાઈએ ૯૪૪ મિલીમીટર વરસાદ પડ્યો અને શું હાલત થઈ હતી એ આપણને સૌને ખબર છે. આવું જ કંઈક બુધવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં થયું હતું. બુધવારે ઉમરગામમાં વાદળ ફાટ્યું હોય એટલો વરસાદ ૨૪ કલાકની અંદર પડી ગયો હતો. ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ઉમરગામમાં ૧૦૬૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ ૨૪ કલાકમાં રેકૉર્ડ થયેલો આ અત્યાર સુધીનો ભારતના ઇતિહાસનો ત્રીજો સૌથી હાઇએસ્ટ વરસાદ હતો.
ભારતના ઇતિહાસમાં આ પહેલાં માત્ર બે સ્થળોએ જ ૨૪ કલાકમાં ઉમરગામ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ૧૯૯૫ની ૧૬ જૂને મેઘાયલના ચેરાપુંજી જિલ્લાના સોહરામાં ૧૫૬૩.૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જે અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ વરસાદ છે. બીજા નંબરે લક્ષદ્વીપનો અમિનિડિવી નામનો ટાપુ છે જ્યાં ૨૦૦૪માં ૬ મેએ ૧૧૬૮.૫ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
નવસારીમાં જળગ્રસ્ત બિલ્ડિંગો અને કાવેરી નદીના બ્રિજ પર આવી ગયેલું નદીનું પાણી.
બુધવારે રાતે મુશળધાર વરસાદ પડતાં સર્જાઈ ભયાવહ સ્થિતિ ઃ કેટલાક લોકો બચવા માટે ઘરની ટેરેસ પર તેમ જ વૃક્ષો પર ચડી ગયા ઃ દક્ષિણ ગુજરાતમાં બુધવારે રાતે ૧૨૦૦ લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ ઃ ગુજરાતનાં અનેક શહેરોમાં સલામતીનાં કારણોસર આજે સ્કૂલો અને કૉલેજોમાં રજા ઃ પહેલી વાર લોકોના મોબાઇલમાં રણકી ઊઠ્યા વરસાદના અલર્ટ મેસેજ
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બુધવારે રાતે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બુધવારે રાતે ૮ વાગ્યાથી ગુરુવારે સવારે ૬ વાગ્યા સુધીમાં ૨૧.૨૫ ઇંચ વરસાદ સાથે બુધવારે કુલ ૩૬ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગઈ કાલે પણ સાંજે ૬ વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં ૧૪.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. આમ બે દિવસમાં ઉમરગામ તાલુકામાં ૫૦.૫ ઇંચ એટલે કે ૧૨૮૨ મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે આ વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉમરગામમાં ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં જ ૧૦૬૪ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો જે ભારતનો ૨૪ કલાકનો થર્ડ-હાઇએસ્ટ વરસાદ હતો.
ઉમરગામ તાલુકામાં ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી અને લોકો પારાવાર યાતનામાં મુકાઈ ગયા હતા. કેટલાક લોકો બચવા માટે ઘરની ટેરેસ પર તેમ જ વૃક્ષો પર ચડી ગયા હતા.
ઉમરગામ તાલુકામાં આવેલા સંજાણમાં વરસાદી પાણીમાં ફસાયેલાં નાનાં બાળકો અને મહિલાઓ સહિતના લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
વલસાડ, નવસારી, તાપી અને સુરત જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાવાને કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા. વાપીમાં પડેલા ભારે વરસાદને કારણે અહીં આવેલી પટેલ સમાજની વાડી પાસે ખુલ્લા પ્લૉટમાં પાર્ક
થયેલી કારોના બોનેટ સુધી વરસાદી પાણી ભરાઈ જતાં જાણે કે કારો પાણીમાં તરતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
આજે પણ ભારે વરસાદની આગાહીને કારણે અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, ગાંધીનગર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં સ્કૂલો અને કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
વલસાડનો જળગ્રસ્ત વિસ્તાર
સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૦૭ તાલુકામાં પડ્યો વરસાદ
ગઈ કાલે ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૦૭ તાલુકામાં વરસાદ પડ્યો હતો. એમાં સૌથી વધુ નવસારી જિલ્લાના ચીખલીમાં ૧૭ ઇંચથી વધુ, ખેરગામમાં ૧૭ ઇંચ જેટલો, સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૬ ઇંચ, વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૧૪.૫ ઇંચ, અમદાવાદ જિલ્લાના ધોળકા અને નવસારી જિલ્લાના વાંસદામાં ૧૩.૫ ઇંચ, ડાંગના વઘઈ અને ખેડાના મહેમદાવાદમાં ૧૩ ઇંચથી વધુ, નવસારી જિલ્લાના ગણદેવીમાં ૧૩ ઇંચ જેટલો, વલસાડ જિલ્લાના પારડીમાં ૧૨ ઇંચ જેટલો, ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ૧૧ ઇંચ તથા વલસાડના નાનાપોંઢા, વલસાડ, ખેડાના માતર અને અમદાવાદના માંડલમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
૨૩ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ, ૪૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ, ૬૦ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ અને ૮૩ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં બુધવારે રાતે પડ્યો મુશળધાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં બુધવારે રાતે ૮ વાગ્યાથી લઈને ગુરુવારે સવારે ૬ વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડ્યો હતો જે ગઈ કાલે પણ ચાલુ રહ્યો હતો.
બુધવારે વલસાડ જિલ્લાના કપરાડામાં ૨૯ ઇંચથી વધુ, નાનાપોંઢામાં ૨૫ ઇંચથી વધુ, ધરમપુરમાં ૨૦ ઇંચ જેટલો, પારડીમાં ૧૮ ઇંચ જેટલો, વાપીમાં ૧૬.૫ ઇંચ અને વલસાડમાં ૧૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નવસારી જિલ્લાના વાંસદામાં ૧૭ ઇંચથી વધુ, તાપી જિલ્લાના ડોલવણમાં ૧૫ ઇંચથી વધુ, ડાંગના વઘઈમાં ૧૪ ઇંચથી વધુ, નવસારીના ખેરગામમાં ૧૪ ઇંચથી વધુ, તાપી જિલ્લાના વાલોડમાં ૧૦ ઇંચથી વધુ, સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૦ ઇંચ વરસાદ પડ્યો હતો.