ઑસ્ટ્રેલિયામાં ટેનિસ-ચૅમ્પિયન બનીને આવેલી અન્ડર-14 જેન્સી કાનાબારનું જૂનાગઢમાં સ્વાગત

03 February, 2026 10:21 AM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

ફૂલોથી વધાવવામાં આવી, બાઇક-રૅલી યોજાઈ : જે ટેનિસ-કોર્ટ પર સાડાત્રણ વર્ષની ઉંમરથી પ્રૅ​ક્ટિસ કરતી હતી એને અપાશે જેન્સી કાનાબાર નામ

જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે જેન્સીનું સન્માન કર્યું હતું.

પહેલા સેટમાં હાર્યા બાદ વળતી લડત આપીને બીજો અને ત્રીજો સેટ જીતીને ઑસ્ટ્રેલિયા ઓપન ટેનિસ એશિયા પૅસિફિક એલીટ અન્ડર–14 વિમેન્સમાં જૂનાગઢની જેન્સી કાનાબારે ટાઇટલ જીત્યું હતું. ગુજરાત સહિત દેશનું નામ રોશન કરીને ગૌરવ અપાવનાર જેન્સી કાનાબાર ગઈ કાલે વતન પરત ફરી હતી. વહીવટી તંત્ર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જૂનાગઢના શહેરીજનોએ તેને ફૂલોથી વધાવી હતી એટલું જ નહીં, જૂનાગઢની જે ટેનિસ-કોર્ટ પર તે રમતી હતી એ કોર્ટને જેન્સીનું નામ આપી એનું ઉચિત બહુમાન કર્યું છે. \

  

જૂનાગઢમાં જેન્સીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં જેન્સીના માનમાં રૅલી યોજાઈ હતી.

ઑસ્ટ્રેલિયામાં ચૅમ્પિયન ટ્રોફી સાથે જેન્સી કાનાબાર.

જેન્સી કાનાબારના પિતા દીપક કાનાબારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફાઇનલ મૅચ મેલબર્નમાં રમાઈ હતી. એમાં ઑસ્ટ્રેલિયાની પ્લેયરને હરાવીને જેન્સી ચૅ​મ્પિયન બની હતી. જેન્સી પહેલો સેટ હારી ગઈ હતી, પરંતુ તેણે હિંમત હાર્યા વગર વળતી લડત આપીને બીજો અને ત્રીજો સેટ જીતો લીધો હતો. ગઈ કાલે અમે જૂનાગઢ આવ્યા ત્યારે તેનું ઉચિત સન્માન કર્યું હતું. અમારા માટે મહત્ત્વની વાત એ છે કે મારી દીકરીએ સાડાત્રણ વર્ષની ઉંમરથી ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. જૂનાગઢની જે ટેનિસ-કોર્ટ પર તે રેગ્યુલર પ્રૅ​ક્ટિસ કરીને મોટી થઈ છે એ કોર્ટને જેન્સીનું નામ આપવામાં આવશે. આ સન્માન મળ્યું એ અમારા માટે કાયમી સંભારણું બની રહેશે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી જેન્સીનું સપનું ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું અને વિમેન્સમાં ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનું છે.’  

જૂનાગઢમાં મજેવડી દરવાજાથી બાઇક-રૅલી શરૂ થઈ હતી અને શહેરના વિવિધ માર્ગો પરથી સરદાર પટેલ રમતગમત સંકુલે પહોંચી હતી. અહીં સન્માન-સમારંભ યોજાયો હતો. 

gujarat news gujarat australia junagadh