30 May, 2026 10:51 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પર G-7 તેમ જ G-13 બૉર્ડર આઉટપોસ્ટ લોકાર્પણ કરી જવાનો સાથે કર્યો સંવાદ અને બ્રેકફાસ્ટ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કચ્છના ભુજમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલી G-7 તેમ જ G-13 બૉર્ડર આઉટપોસ્ટ લોકાર્પણ કરી હતી. તેમણે G-7 બૉર્ડર આઉટપોસ્ટ પર જવાનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે ‘બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનો સર ક્રીક અને ભુજમાં ચટ્ટાનની જેમ ઊભા છે જેને કારણે ભુજની જનતા પૂરી રીતે સુરક્ષિત છે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહસચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, સીમા પ્રબંધન સચિવ અને BSFના ડિરેક્ટર જનરલ સહિતના અધિકારીઓ અને જવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે...
હું જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યો ત્યારે BSFની સમીક્ષામાં જાણવા મળ્યું કે હરામી નાળા અને સર ક્રીકનું ક્ષેત્ર સુરક્ષાની દૃષ્ટિએ થોડું પાછળ હતું. અમે વૉચટાવર, કનેક્ટિંગ રોડ, પીવાનું પાણી, મેડિકલ સુવિધાઓ, રહેવાની વ્યવસ્થા અને નવી ફેન્સિંગનું કામ શરૂ કરીને દરેક દૃષ્ટિએ એક લીકપ્રૂફ સુરક્ષા-ગ્રિડ બનાવવાની કાર્યયોજના બનાવી હતી. આગામી બે વર્ષમાં આપણું આ ક્ષેત્ર દુશ્મનની ખરાબ નજરથી હંમેશ માટે સુરિક્ષત થઈ જશે. BSFના જવાનો સીર ક્રીક અને ભુજમાં ચટ્ટાનની જેમ ઊભા છે જેને કારણે ભુજની જનતા પૂરી રીતે સુરિક્ષત છે. અમે એવી સુવિધા આપીશું જેથી જવાનોને ઓછામાં ઓછી તકલીફ થાય. આ માટે મોદી સરકાર દિવસ-રાત કામ કરી રહી છે. અમે બજેટની ચિંતા નથી કરી અને ટેક્નૉલૉજીના ઉપયોગમાં પણ કોઈ કસર છોડી નથી જેનાથી ધીમે-ધીમે આ ક્ષેત્રમાં મજબૂત સુરક્ષા-ગ્રિડ ઊભી કરવામાં આપણને સફળતા મળી છે.
અમિત શાહે જવાનો સાથે સંવાદ અને બ્રેકફાસ્ટ કર્યા હતા
BSFની સ્થાપનાના ૬૦મા વર્ષમાં અમે BSFની સરહદ-સુરક્ષાની વિભાવનાને પૂરી રીતે બદલવાનો નિર્ણય કર્યો છે. અમે આવનારા દિવસોમાં એક ચતુષ્કોણીય સુરક્ષા-ગ્રિડ બનાવીશું અને બૉર્ડરની સુરક્ષાની જગ્યાએ ટેરિટોરિયલ સુરક્ષાનો નવો કન્સેપ્ટ લૉન્ચ કરીશું. અમે સ્માર્ટ બૉર્ડર સિક્યૉરિટી પ્રોજેક્ટ હેઠળ સરહદ પર સુરક્ષા-ગ્રિડને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છીએ. આમાં હજારો કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે અને વિશ્વાસ છે કે ડ્રોન, રડાર, વૉચ ટાવર, અત્યાધુનિક ટેક્નૉલૉજી અને જવાનોની તહેનાતીથી એક મજબૂત સુરક્ષા-ગ્રિડ ઊભી થશે. એ પછી કોઈ આપણી સરહદને ભેદવાની હિંમત નહીં કરી શકે.
BSFએ સ્થાપનાથી લઈને અત્યાર સુધી વીતેલાં ૬૦ વર્ષમાં દેશની બે સૌથી કઠિન સરહદોની સુરક્ષાની જવાબદારી ઉઠાવી છે. આ સરહદો પર તહેનાત BSFના જવાનોને માઇનસ ૪૫ ડિગ્રીથી લઈને પ્લસ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન સુધી દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ક્યાંક કચ્છનું દુર્ગમ રણ છે, સર ક્રીક અને હરામી નાળાની દલદલી જમીન છે તો ક્યાંક રાજસ્થાનના રેતીના ઢૂવાઓ વચ્ચે તહેનાત રહીને BSF જવાનોને કામ કરવું પડે છે.