એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ ઠંડો પવન ફૂંકાતાં ગુજરાત જાણે કે થયું ટાઢુંબોળ

03 December, 2021 09:37 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ વરસાદના લીધે સામાન્ય નાગરિકોની મુશ્કેલી વધી હતી તો બીજી બાજુ કૃષિ પાકને નુકસાન થતાં અનેક ખેડૂતોને આર્થિક નુકસાન પણ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ પવન ફૂંકાતાં ગુજરાત જાણે કે ટાઢુબોળ થઈ ગયું હતું. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૯૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં એક ઇંચથી વધુ વરસાદ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ૪૧ મિલીમીટર એટલે કે પોણાબે ઇંચ જેટલો જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ૩૧ મિલીમીટર અને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ૨૯ મિલીમીટર એટલે કે એક ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. ગુજરાતના ૧૦ તાલુકાઓમાં અડધા ઇંચથી પોણાબે ઇંચ કમોસમી વરસાદ થયો હતો. ગઈ કાલે ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, પંચમહાલ,  ભરૂચ, દાહોદ, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ખેડા, મહીસાગર, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, સુરેન્દ્રનગર અને આણંદ જિલ્લામાં કમોસમી વરસાદનાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યાં હતા.
ગઈ કાલે દિવસ દરમ્યાન ઠંડાગાર પવન ફૂંકાતાં અમદાવાદ, ઉત્તર ગુજરાત, ડાંગ સહિતના જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું હતું. એકાએક ઠંડીનું પ્રમાણ વધતાં નાગરિકોએ કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. 
એક તરફ વરસાદી ઝાપટાં અને બીજી તરફ ઠંડા પવનથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વરસાદના લીધે સામાન્ય નાગરિકોની મુશ્કેલી વધી હતી તો બીજી બાજુ કૃષિ પાકને નુકસાન થતાં અનેક ખેડૂતોને આર્થિક નુકસાન પણ થયું હતું. 

gujarat gujarat news Gujarat Rains