કમોસમી વરસાદથી ગુજરાતના ૨૪૯ તાલુકાનાં ૧૬,૦૦૦+ ગામડાંઓમાં ખેતીના પાકને નુકસાન

04 November, 2025 10:58 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ખેતરોમાં સરકારી અધિકારીઓ દોડ્યા સર્વે કરવા : ૪૮૦૦થી વધુ ટીમો કરી રહી છે સર્વે : ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂરી : સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેતરોમાં જાતતપાસ કરીને ખેડૂતોની વ્યથા સાંભળીને ટૂંક સમયમાં રાહત-પૅકેજ જાહેર કરવાની ખાતરી આપી

ભૂપેન્દ્ર પટેલે ખેતરમાં જઈને નુકસાનીની જાતતપાસ કરી હતી અને ખેડૂતોની વ્યથા સાંભળી હતી

ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે કંઈકેટલાંય ખેતરોમાં પાકનું નિકંદન કાઢી નાખતાં ખેડૂતોમાં દુઃખની સાથે આક્રોશ છલકાતાં ગુજરાત સરકારના આદેશના પગલે પાકના નુકસાનીના સર્વે માટે અધિકારીઓ ખેતરમાં સર્વે કરવા દોડ્યા છે. માવઠાથી પાણી-પાણી થઈ ગયેલાં ખેતરોમાં સર્વે કરવા માટે ૪૮૦૦થી વધુ ટીમ કામગીરી બજાવી રહી છે અને ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂરી થઈ છે જેમાં ગુજરાતના ૨૪૯ તાલુકાનાં ૧૬,૦૦૦થી વધુ ગામડાંઓમાં ખેતીના પાકોને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે એટલું જ નહીં, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત ગામડાંઓની મુલાકાત લઈને ખેતરમાં જઈ ખેડૂતોની વ્યથા સાંભળીને તેમને માટે રાહત પૅકેજ જાહેર કરવાની ખાતરી આપી હતી.  

ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લાના કડવાસણ અને જૂનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાત પ્રધાનમંડળના અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશ‌િક વેકરિયા જોડાયા હતા. ભૂપેન્દ્ર પટેલ ખેતરોમાં ગયા હતા અને કમોસમી વરસાદથી થયેલા પાકનના નુકસાનની માહિતી મેળવી હતી. તેમણે ખેડૂતોની વ્યથા અને વેદના સાંભળી હતી અને સહાનુભૂતિ આપી હતી.

ક્યાં કેટલી ટીમો કરી રહી છે સર્વે?

દાહોદ જિલ્લામાં ૧૧૦ ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. એ ઉપરાંત ડાંગ જિલ્લામાં ૧૦૦ ટીમ દ્વારા ૩૧૦ ગામડાંઓમાં, નવસારી જિલ્લાનાં ૩૮૪ ગામડાંઓમાં ૧૩૮ ટીમ દ્વારા, નર્મદા જિલ્લામાં ૧૯૫ ટીમ દ્વારા, તાપી જિલ્લામાં ૧૨૮ ટીમ દ્વારા ૫૧૮ ગામોમાં તેમ જ ગુજરાતના બીજા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે. બીજી તરફ વડોદરા જિલ્લાનાં ૪૦૬ ગામડાંઓમાં સર્વે પૂરો થયો છે. એ ઉપરાંત અમરેલી જિલ્લામાં ૬૨૬ ગામડાંઓમાં અને ભાવનગર જિલ્લાનાં ૫૫૦ ગામડાંઓમાં સર્વે ‍પૂરો થયો છે.

કચ્છના અંજાર તાલુકામાં ત્રણ ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો

હજી પણ કમોસમી વરસાદ ગુજરાતનો પીછો છોડી નથી રહ્યો જેના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસાની સીઝન ચાલી રહી હોય એવો માહોલ સર્જાયો છે. ગઈ કાલે રાતે આઠ વાગ્યા સુધી ૪૭ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં કચ્છના અંજાર તાલુકામાં ત્રણ ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. 

Gujarat Rains gujarat cm bhupendra patel gujarat government gujarat gujarat news dahod navsari kutch anjar vadodara bhavnagar