ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ૨૨૪ નાગરિકો અને ૮૦૦થી વધુ અબોલ પક્ષીઓ માટે ઘાતક બન્યું

15 January, 2022 11:27 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ૨૨૪ નાગરિકો અને ૮૦૦થી વધુ અબોલ પક્ષીઓ માટે ઘાતક બન્યું

પ્રતીકાત્મક તસવીર

આનંદ-ઉલ્લાસનું ઉત્તરાયણનું પર્વ ગઈ કાલે ગુજરાતમાં ૨૨૪ નાગરિકો માટે અને અંદાજે ૮૦૦થી વધુ અબોલ પક્ષીઓ માટે ઘાતક બન્યું હતું. જોકે આ ઘાયલ નાગરિકો અને પક્ષીઓને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા સારવાર મળતાં તેમ જ કરુણા અભિયાન તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પક્ષીઓને સારવાર મળતાં જીવ બચી ગયા હતા.
ગુજરાતમાં ગઈ કાલે ઉત્તરાયણ પર્વ પ્રસંગે પતંગની દોરીથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૨૪ નાગરિકોને ગળાના ભાગે, આંખે તેમ જ નાક પર ઈજાઓ થઈ હોવાનું ૧૦૮ ઍમ્બ્યુલન્સ સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઘાતક ઘટનાઓ સૌથી વધુ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં ૬૨ જેટલા નાગરિકોના પતંગની દોરીના કારણે ગળામાં, આંખ પર અને નાક પર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત વડોદરામાં ૨૬, રાજકોટમાં ૨૫, સુરતમાં ૨૪ નાગરિકોના ગળામાં, આંખ પર અને નાક પર પતંગની દોરી ઘસાતાં ઈજાઓ થઈ હતી. આ તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપીને નજીકની હૉસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ પતંગની દોરીથી ગુજરાતમાં ઘાયલ થયેલાં પક્ષીઓ પૈકી ૫૬૮ પક્ષીઓને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદમાં વાઇલ્ડ લાઇફ કેસ સેન્ટર ખાતે અમદાવાદ જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ થયેલાં ૧૪૮ પક્ષીઓની સારવાર હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ગુજરાતમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ પતંગની દોરીથી ઘાયલ થયેલાં કબુતર, પોપટ, કાગડા, ચકલી સહિતનાં પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં હતાં.

gujarat gujarat news makar sankranti