વડોદરામાં મોટો અકસ્માતઃ સ્લીપર બસ ટ્રક સાથે અથડાઈ, છનાં મોત અને ૨૦થી વધુ ઘાયલ

17 June, 2026 10:12 AM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

Vadodara Road Accident: આજે વડોદરા-જરોદ રોડ પર વહેલી સવારે ભયાનક અકસ્માત થયો; લક્ઝરી બસ અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં છ મુસાફરોના મોત, ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી; પોલીસ અને NDRFની ટીમે શરુ કર્યું રેસક્યુ ઓપરેશન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વડોદરા – હાલોલ (Vadodara-Halol) રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક અને ભીષણ માર્ગ અકસ્માત (Vadodara Road Accident) સર્જાયો છે. કોટંબી (Kotambi) ગામ નજીક હાઇવે પર એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે બસમાં સવાર આશરે ૨૬ જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ટ્રકની પાછળ ઘૂસી ગઈ પૂરપાટ ઝડપે આવતી બસ

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત આજે વહેલી સવારે સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસ અચાનક આગળ ચાલી રહેલી એક ટ્રકના પાછળના ભાગે અત્યંત વેગ સાથે ભટકાઈ ગઈ હતી. આ અકસ્માત વહેલી સવારે આશરે ૪:૦૦ વાગ્યે કોટંબી ગામ નજીક સર્જાયો હતો, જ્યારે રાજસ્થાન (Rajasthan)થી સુરત (Surat) તરફ જઈ રહેલી લક્ઝરી બસ આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ભટકાઈ ગઈ હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા. આ ભયાનક અકસ્માતના કારણે બસમાં બેઠેલા છ લોકોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા હતા.

વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સુશીલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, હાઇવે પર રોડની બાજુમાં ટ્રક ઉભી રાખવામાં આવી હતી અને તેનો ડ્રાઇવર ટાયરનું પ્રેશર ચેક કરી રહ્યો હતો, તે જ સમયે પૂરપાટ ઝડપે આવેલી બસે તેને પાછળથી ટક્કર મારી દીધી હતી.

એસપી અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘આ અથડામણ એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય આશરે ૨૦ જેટલા લોકોને ઇજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બસમાં સવાર મોટાભાગના મુસાફરો રાજસ્થાનના વતની હતા.

ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા

અકસ્માત થતાં જ બસની અંદર મુસાફરોની ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઈ હતી. આ અથડામણમાં ૨૬ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા (Vadodara)ની પ્રખ્યાત સયાજી હોસ્પિટલ (Sayaji Hospital)માં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

NDRF અને પોલીસે મોરચો સંભાળ્યો

અકસ્માતની ગંભીરતાને જોતાં બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે તાત્કાલિક નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (National Disaster Response Force - NDRF)ની ટીમને બોલાવવામાં આવી હતી. NDRFના જવાનોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને બસના પતરાં કાપી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ (Jarod Police Station)ની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકોના શવનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાય નહીં અને જામ ન સર્જાય તે માટે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.

road accident vadodara gujarat rajasthan surat gujarat news gujarat police national disaster response force NDRF