29 November, 2026 09:06 AM IST | vadodara | Varsha Chitaliya
બાળકોને ભણાવી રહેલાં દીપિકાબહેન
રાતના એક વાગ્યે લોકો ઘસઘસાટ ઊંઘતા હોય, વાહન મળવું મુશ્કેલ હોય અને ઇમર્જન્સીમાં રિક્ષાવાળા બમણું ભાડું વસૂલવા તૈયાર બેઠા હોય ત્યારે વડોદરાની સડકો પર એક ઑટોરિક્ષા એવી પણ ફરે છે જેનું મીટર ડાઉન નથી થતું. દિવસે બીજાના ઘરે રસોઈ અને ઘરકામ કરતાં ૪૨ વર્ષનાં દીપિકા મકવાણા અડધી રાતના રિક્ષાનું સ્ટીઅરિંગ સંભાળીને ભાડું લીધા વગર દરદીઓને સમયસર હૉસ્પિટલ પહોંચાડવાનું અનોખું મિશન ચલાવે છે
ઘડિયાળમાં રાતના બે વાગ્યા છે. શહેરના રસ્તાઓ સૂમસામ છે. એવામાં અચાનક કોઈને હૃદયનો હુમલો આવે અને ઘરમાં વાહન ન હોય તો શું કરવું? ભરઊંઘમાંથી પાડોશીને જગાડવા અથવા ઑટોરિક્ષા શોધવા દોડવું પડે. ઘણી વાર ઍમ્બ્યુલન્સ પણ નથી મળતી. કોઈ ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઊપડે ત્યારે શું કરવું? આવા સમયે વડોદરાવાસીઓ માટે એક ઑટોરિક્ષા દેવદૂત બનીને આવે છે. આ રિક્ષાના સ્ટીઅરિંગ પર કોઈ પુરુષ નહીં, એક હિંમતવાન મહિલા બેઠાં છે - નામ તેમનું દીપિકા મકવાણા. ૪૨ વર્ષનાં આ મહિલાનો રાતના એકથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધીનો સમય ઊંઘવાનો નહીં પણ કોઈનો જીવ બચાવવાની દોડધામનો હોય છે. ઘરની આર્થિક જવાબદારી સંભાળવા દિવસભર મહેનત કરતાં દીપિકાબહેન મધરાતે દરદીઓને હૉસ્પિટલમાં પહોંચાડવાનું કામ કરે છે. સ્વજનને ગુમાવ્યા બાદ જન્મેલા તેમના સંકલ્પે અનેક પરિવારોને નવી જિંદગી આપી છે. આખરે કઈ ઘટનાએ તેમને વિનામૂલ્ય રિક્ષા-સેવા દોડાવવા પ્રેર્યાં અને મધરાતના સન્નાટામાં કેવા પડકારો વચ્ચે તેઓ આ મિશન ચલાવે છે, ચાલો જાણીએ...
પતિ કિરીટભાઈ અને સંતાનો સાથે
ભગીરથ કાર્યનો સંકલ્પ
અડધી રાતના દરદીઓને હૉસ્પિટલ સુધી પહોંચાડવાનો વિચાર કઈ રીતે આવ્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં દીપિકાબહેન જણાવે છે, ‘મધરાતે દરદીઓને વિનામૂલ્ય હૉસ્પિટલ સુધી પહોંચાડવાનો વિચાર પપ્પાને ગુમાવ્યા પછી આવ્યો હતો. તેઓ કૅન્સરની બીમારીથી પીડાતા હતા. ભારતમાં કોરોના આવ્યો એ વખતે તેમની તબિયત નાજુક હતી. મોડી રાતના અચાનક તેમને હૉસ્પિટલમાં લઈ જવાની જરૂર પડી, પણ ઍમ્બ્યુલન્સ ન મળી. મારા હસબન્ડ કિરીટ રિક્ષા ચલાવતા હતા અને હું લોકોના ઘરે રસોઈ તેમ જ ઘરકામ કરવા જતી હતી. જેમતેમ કરીને તેમણે પપ્પાને હૉસ્પિટલ પહોંચાડ્યા. જોકે હવે પપ્પા નથી રહ્યા. આ કડવા અનુભવે અમને એક મિશન શરૂ કરવાની પ્રેરણા આપી. અમારાથી પૈસાથી મદદ તો ન થાય, પણ રિક્ષા દ્વારા કોઈનો જીવ બચાવી શકાય તો એ સૌથી મોટી સેવા છે. શરૂઆતમાં આ કામ મારા હસબન્ડ કરતા હતા. રાતના સમયે જ્યારે તેઓ ઇમર્જન્સી સેવામાં જતા ત્યારે સુરક્ષાનાં કારણોસર હું પણ તેમની સાથે રિક્ષામાં બેસી જતી. એક દિવસ તેમણે મને પ્રોત્સાહન આપતાં કહ્યું, તું પણ રિક્ષા ચલાવી શકે છે, તારામાં કાબેલિયત છે. પછી તેમણે જ મને રિક્ષા ચલાવતાં શીખવી. રસોઈકામની સાથે હું રિક્ષા પણ ચલાવતી. વધુ કમાવા અમે બે શિફ્ટમાં પોતપોતાની વરદી એટલે કે બાંધેલા ગ્રાહક અને પૅસેન્જર સંભાળતાં હતાં. બન્નેની સહિયારી મહેનતથી ઘરનું ગાડું વ્યવસ્થિત ચાલતું હતું ત્યાં હસબન્ડને અકસ્માત નડ્યો અને તમામ જવાબદારી મારા માથે આવી ગઈ.’
અકસ્માત અને ત્યાર બાદ આવી પડેલી જવાબદારીના ઘટનાક્રમ વિશે જણાવતાં દીપિકાબહેન કહે છે, ‘આઠેક મહિના અગાઉ મારા પતિ કિરીટ રિક્ષા લઈને હાલોલ જતા હતા. સામેથી પૂરઝડપે સ્કૂટર આવ્યું અને રિક્ષામાં ઘૂસી ગયું. ગભરાઈને સ્કૂટરચાલક ભાગી ગયો. આ અકસ્માતમાં હસબન્ડને હાથમાં વાગ્યું અને ત્રણ ક્રૅક આવી. માર વાગવાના લીધે શરીરના કેટલાક ભાગમાં લોહી ગંઠાઈ ગયું. સાડાત્રણ મહિનાનો ખાટલો આવ્યો. તેમની જૈન દેરાસરની, જય અંબે રાશનની અને સ્કૂલના વિદ્યાર્થીઓની વરદી હતી. આ ઉપરાંત કેટલાક બાંધેલા મુસાફરો પણ હતા. મારી પોતાની વરદી હતી એ તો અલગ. અચાનક રસોઈકામ, ઘરનાં કામ અને સંતાનોને ભણાવવાની સાથે બન્નેના નિયમિત ગ્રાહકોને સાચવવાની તેમ જ હસબન્ડને ફિઝિયોથેરપી માટે લઈ જવાની જવાબદારી મારા એકલાના ખભા પર આવી ગઈ. આ બધી પળોજણ અને ભાગદોડ વચ્ચે સેવાનો સંકલ્પ ચાલુ રાખ્યો. કટોકટીના સમયે સેવા આપવાથી મને સંતોષ થાય છે. પપ્પાને ગુમાવવાની પીડામાંથી હું પસાર થઈ છું આથી સામેવાળાની પરિસ્થિતિને સમજી શકું છું. પતિની તબિયત ધીમે-ધીમે સારી થઈ રહી છે. ડૉક્ટરે રિક્ષા ચલાવવાની ના પાડી છે, પરંતુ રોજીરોટી છે અને બે છેડા ભેગા કરવા તેમણે ટ્રાફિક ન હોય એવા વિસ્તારમાં રિક્ષા ચલાવવાની શરૂઆત કરી છે. એક સંસ્થાની મદદથી મને પોતાની રિક્ષા મળી ગઈ છે. હસબન્ડની રિક્ષાનો ૯૦૦૦ રૂપિયાનો અને મારી રિક્ષાનો ૫૦૦૦ રૂપિયાનો હપ્તો આવે છે. આ હપ્તા, સંતાનોની સ્કૂલની ફી અને ઘરના તમામ ખર્ચ ઉપાડવાની સાથે બીજાનો જીવ બચાવવાનો પ્રયાસ પણ કરું છું.’
અનુભવો અને સુરક્ષા
રાતના સમયે રિક્ષા ચલાવવાના અનુભવો અને હૃદયસ્પર્શી કિસ્સાઓ વિશે વાત કરતાં દીપિકાબહેન જણાવે છે, ‘દિવસે રસોઈકામ, ઘરકામ અને રાત્રે ૧૦ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રિક્ષા ચલાવું છું. પ્રાઇવેટ કંપનીના નાઇટ-શિફ્ટના કર્મચારીઓની પિક-અપ અને ડ્રૉપ કરવાની નિયમિત વરદી છે. એમાંથી રિક્ષાના હપ્તા અને બાળકોની સ્કૂલ-ફી નીકળી જાય છે. આ દરમ્યાન મોડી રાત્રે કોઈ ઇમર્જન્સી કૉલ આવે તો તરત જ સેવામાં દોડી જાઉં છું. અચાનક છાતીમાં દુખાવો અથવા પેટમાં દુખાવો ઊપડ્યો હોય એવા દરદીના વધુ ફોન આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૦ જેટલા દરદીઓને વિનામૂલ્ય હૉસ્પિટલ પહોંચાડ્યા છે. સામાન્ય રીતે હૉસ્પિટલ પહોંચાડ્યા પછી હું નીકળી જાઉં, પરંતુ ક્યારેક દરદી સાથે રહેવાની જરૂર પડે છે. એક રાત્રે એક યુવતીને કાનમાં રસી થઈ જતાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો. તેણે ફોન કરીને આજીજી કરી કે આન્ટી, મારાથી રહેવાતું નથી, પ્લીઝ આવી શકો છો? હું તરત ગઈ અને જ્યાં સુધી તેના કાનના પડદાનું ઑપરેશન પૂરું ન થયું ત્યાં સુધી હૉસ્પિટલમાં બેસી રહી અને ઘરે પાછી મૂકી આવી. એવી જ રીતે હયાત પૅલેસ પાસે એક દંપતી ખાડામાં પટકાતાં પતિને છાતીમાં ગંભીર ઈજા થઈ હતી. તેઓ ઊભા પણ થઈ શકતા નહોતા. હું તેમને લઈને ચાર-પાંચ દવાખાનાં ફરી. કોઈ કહે પોલીસને જણાવો તો કોઈ કહે ફોટો પાડો. છેવટે સારવાર શરૂ કરાવવામાં સફળતા મળી. ડૉક્ટરે તેમને અંદર લીધા પછી હું નીકળી ગઈ. આ ઉપરાંત ૭ મહિલાઓની ડિલિવરી વખતે પણ હું તેમની સાથે હૉસ્પિટલમાં રહી છું. એક વાર બે અલગ-અલગ જગ્યાએથી ફોન આવી ગયા ત્યારે મારા પતિએ સંભાળી લીધું હતું. કોઈને લોહી ચડાવવાનું હોય તોય દોડી જાઉં છું.’
વડોદરાના મલ્હાર પૉઇન્ટ વિસ્તારમાં રહેતાં દીપિકાબહેનના કહેવા પ્રમાણે આખા વડોદરામાં તેઓ એકમાત્ર મહિલા છે જે નાઇટ-શિફ્ટમાં રિક્ષા ચલાવે છે. અડધી રાત્રે એકલાં નીકળવામાં શરૂઆતમાં તેમને થોડો ડર લાગતો હતો. હસબન્ડના સપોર્ટ, સેવા કરવાની ભાવના અને આર્થિક જરૂરિયાતે તેમના આ ડરને મનમાંથી કાઢી નાખ્યો. તેઓ કહે છે, ‘મારા માટે રિક્ષા માત્ર આજીવિકાનું સાધન નથી, સેવાયજ્ઞ પણ છે. રાતના સમયે રિક્ષાનું ભાડું પણ વધુ મળે, આથી હિંમત કરીને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. વડોદરા સુરક્ષિત શહેર છે. હું હાઇવે પર જાઉં કે ગમે તે વિસ્તારમાં, દરેક રસ્તા પર પોલીસની ગાડી પૅટ્રોલિંગ કરતી દેખાય છે. ઘણી વાર રસ્તો ન મળે તો રહેવાસી સોસાયટીના વૉચમૅન પણ મદદ કરે છે. લોકો કહે છે કે બહેન, તમે બહુ સારું કામ કરો છો. મારાં બાળકો જ્યારે ગર્વથી કહે છે કે મારી મમ્મી રિક્ષા ચલાવે છે ત્યારે આખી રાતનો થાક ઊતરી જાય છે.’
દીપિકાબહેનની કહાણી માત્ર સેવા પૂરતી મર્યાદિત નથી, તે સ્ત્રીશક્તિ અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે. વહેલી સવાર સુધી રિક્ષા ચલાવીને ઘરે આવ્યા પછી બાળકોને સ્કૂલ માટે તૈયાર કરે છે, ઘરકામ અને પતિની સારવાર પણ કરે છે. આર્થિક તંગી હોવા છતાં ઇમર્જન્સી સેવા માટે એક પણ રૂપિયો ન લેવાનો સંકલ્પ તોડ્યો નથી. જોકે તેમને બાળકોના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા રહે છે. હોટેલ કે કૉર્પોરેટ જગતમાં ‘હૉસ્પિટાલિટી’ શબ્દ લક્ઝરી અને મોંઘી સેવાઓ માટે વપરાય છે, પરંતુ દીપિકાબહેને આ શબ્દને નવો જ સંવેદનશીલ અર્થ આપ્યો છે અને સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.
દીપિકા મકવાણા રાતના ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધી રિક્ષા ચલાવે છે. પ્રાઇવેટ કંપનીના નાઇટ-શિફ્ટના કર્મચારીઓની પિક-અપ અને ડ્રૉપ કરવાની નિયમિત વરદી છે. આ દરમ્યાન ઇમર્જન્સી ફોન આવે તો દરદીને વિનામૂલ્ય હૉસ્પિટલમાં પહોંચાડે છે.
વરદી એટલે શું?
ગુજરાતમાં આ શબ્દ બહુ પ્રચલિત છે. કોઈ વ્યક્તિ, ઑફિસ કે દુકાનદાર દરરોજ નિયમિત સમયે સામાન કે માણસોને લાવવા-મૂકવા માટે રિક્ષા બાંધી રાખે એને વરદી કહેવાય. આ ઉપરાંત પોલીસ, ફાયરબ્રિગેડ કે ઍમ્બ્યુલન્સ-સેવામાં ઇમર્જન્સીનો ફોન આવે, એને પણ વરદી આવી તેમ કહેવાય છે.
દીપિકા મકવાણા રાતના ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધી રિક્ષા ચલાવે છે. પ્રાઇવેટ કંપનીના નાઇટ-શિફ્ટના કર્મચારીઓની પિક-અપ અને ડ્રૉપ કરવાની નિયમિત વરદી છે. આ દરમ્યાન ઇમર્જન્સી ફોન આવે તો દરદીને વિનામૂલ્ય હૉસ્પિટલમાં પહોંચાડે છે.