29 March, 2025 07:16 AM IST | Valsad | Gujarati Mid-day Correspondent
ધવલ પટેલ, પીયૂષ ગોયલ
ઉનાળાની સીઝન આવી પહોંચી છે ત્યારે દક્ષિણ ગુજરાતની વિશ્વવિખ્યાત વલસાડી આફૂસ કેરીને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ આપવા માટે દિલ્હીમાં રજૂઆત કરવામાં આવી છે. વલસાડના સંસદસભ્ય ધવલ પટેલે ગઈ કાલે કેન્દ્રના કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી પ્રધાન પીયૂષ ગોયલને મળીને વલસાડી આફૂસ કેરી વિશે સમજાવતાં પ્રધાને એમાં રસ બતાવીને સકારાત્મક અભિગમ દર્શાવતાં ખાતરી આપી હતી.
ધવલ પટેલે કહ્યું હતું કે ‘દક્ષિણ ગુજરાતના વલસાડની આફૂસ કેરી પૂરા દેશ અને દુનિયામાં એના સ્વાદ અને ક્વૉલિટી માટે પ્રખ્યાત છે અને એના માટે એને GI ટૅગ મળે એ બહુ જરૂરી છે. વલસાડ અને નવસારીના ખેડૂતોએ GI ટૅગ માટે અપ્લાય કર્યું હતું. GI ટૅગ માટે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને મળીને રજૂઆત કરી છે અને લેટર આપ્યો છે. આફૂસ કેરી માટે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યો એકબીજાનાં પૂરક બનશે, એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાનાં નથી. એનાથી બન્ને રાજ્યોના ખેડૂતોને લાભ થશે. ગુજરાતના લાખ્ખો ખેડૂતો અને મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થશે. એ માટે GI ટૅગ જલદી મળે એ માટે ભારપૂર્વક રજૂઆત કરી છે. તેમણે ખાતરી આપી છે કે આવનારા મહિનામાં વલસાડની આફૂસ કેરીને GI ટૅગ મળી જશે.’