અમદાવાદમાં બપોર પછી જામ્યો ઉત્તરાયણનો વાઇબ્રન્ટ માહોલ

15 January, 2022 11:22 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કડકડતી ઠંડી, પવનની ગતિ અને કોરોનાની ગાઇડલાઇનના કારણે બપોર સુધી જોઈએ એવો રંગ જામ્યો નહીં પણ બપોર બાદ ગુજરાતમાં પતંગો ઊડી; સાંજે તો એ લપેટ... કાયપો છે...ની બૂમોથી ગગન ગાજી ઊઠ્યું

અમદાવાદમાં ગઈ કાલે સમી સાંજે પતંગરસિયાઓએ મન મૂકીને પતંગ ચગાવવાની મોજ માણી હતી. ઢળતી સંધ્યાએ અમદાવાદનું આકાશ પતંગોથી ભરાયું હતું.

ગુજકાતમાં કોરોના સંકટ વચ્ચે ગઈ કાલે મકર સંક્રાન્તિની ઉજવણી થઈ હતી. એક તરફ કડકડતી ઠંડી, પવનની મંદ ગતિ અને બીજી તરફ કોરોનાની ગાઇડલાઇનના કારણે બપોરે સુધી જોઈએ એવો રંગ જામ્યો નહોતો પણ બપોર બાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતમાં પતંગો ઊડી હતી અને સાંજે તો એ લપેટ... કાયપો છે...ની બૂમોથી ગગન ગાજી ઊઠ્યું હતું અને પતંગરસિયાઓએ મન મૂકીને ઉત્તરાયણ માણી હતી.
ઉત્તરાયણના દિવસે ગઈ કાલે સવારથી જ અમદાવાદમાં ઠંડો પવન ફુંકાઈ રહ્યો હતો અને ઠંડીનું પ્રમાણ હોવાથી પતંગરસિયાઓ પતંગ ચગાવવામાં મુશ્કેલી નડી હતી. બપોરે જ્યાં સુધી તડકો ચડ્યો નહીં ત્યાં સુધી અમદાવાદમાં ઉત્તરાયણ ઠીકઠાક રહી પણ બપોર પછી માહોલ જામ્યો હતો. આવી જ હાલત ગુજરાતનાં અન્ય નાનાં-મોટાં શહેરોની પણ હતી. જોકે બપોર બાદ જેમ-જેમ સાંજ પડતી ગઈ તેમ-તેમ ઉત્તરાયણનો રંગ જામ્યો હતો. ખાસ કરીને ઉત્તરાયણમાં જોઈએ એવી હવા હોવાથી ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ હોય કે પછી નડિયાદ, આણંદ, વલસાડ, મહેસાણા, પાટણ, હિંમતનગર સહિતનાં નાનાં-મોટાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પતંગરસિયાઓએ મન મૂકીને પતંગો ચગાવી હતી. ટેરેસ પરથી અને છાપરાંઓ પરથી એ કાઇપો છે અને લપેટ-લપેટની પતંગરસિયાઓની બૂમોથી ગગન ગાજી ઊઠ્યું હતું. પતંગ શોખીનોને પતંગની સાથે મોટા પ્રમાણમાં બલૂન પણ ઉડાડ્યાં હતાં. લોકોએ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરીને કોરોનાની મહામારી વચ્ચે થોડી રાહત મેળવીને આનંદ મનાવ્યો હતો.
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વમાં ડીજે વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે આ વર્ષે ધામધૂમ અને ઘોંઘાટવાળો માહોલ ઓછો હતો. વાતાવરણમાં ધ્વનિ પ્રદૂષણ ઓછું થયું હતું પણ ઘણાબધા પતંગરસિયાઓએ સ્પીકર પર મનગમતાં સૉન્ગ વગાડીને પતંગ ચગાવવાની મોજ માણી હતી એટલું જ નહીં; બૉલીવુડનાં હિટ સૉન્ગ્સ, પંજાબી સૉન્ગ્સ અને ગરબા પર યંગસ્ટર્સે ધૂમ મચાવીને ધિંગામસ્તી કરી હતી.

gujarat gujarat news makar sankranti shailesh nayak