✕

ગુજરાતમાં પહેલી વાર સુરતમાં સ્ટુડન્ટ્સ હૉસ્ટેલમાં લાગ્યા સ્પ્રિંગ-લોડેડ ઍન્ટિ-સુસાઇડ ફૅન

24 October, 2026 12:19 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો અટકાવવા અને તેમનું જીવન સુરક્ષિત કરવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સ્ટુડન્ટ્સના હિતમાં ભર્યું સુરક્ષાત્મક પગલુંઃ ગર્લ્સ અને બૉય્ઝ હૉસ્ટેલની રૂમોમાં ૩૮૮થી વધુ લગાવ્યા આત્મહત્યા અટકાવતા ફૅન

પંખા પર ચાદર નાખીને લટકવાના પ્રયાસનું નિદર્શન, પંખામાં રહેલી સ્પ્રિંગ બહાર આવી જતાં પ્રયાસ નિષ્ફળ થયાનું નિદર્શન.

હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ પૈકી કોઈ સ્ટુડન્ટ અગમ્ય કારણોસર રૂમમાં રહેલા પંખે લટકીને આપઘાત કરવાના બનાવો બનતા હોવાના દાખલા જોવા મળે છે ત્યારે આવા કેસમાં સ્ટુડન્ટ્સના જીવ બચાવવા માટે ગુજરાતના સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આવકારદાયક પહેલ કરી છે. આ યુનિવર્સિટીએ ગુજરાતમાં પહેલી વાર ગર્લ્સ અને બૉય્ઝ હૉસ્ટેલની રૂમોમાં સ્પ્રિંગ-લોડેડ ઍન્ટિ-સુસાઇડ ફૅન લગાવ્યા છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. રમેશદાન ગઢવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી યુનિવર્સિટીમાં ગર્લ્સ અને બૉય્ઝની કુલ મળીને ૯ હૉસ્ટેલ છે જેમાં ૧૮૦૦ જેટલા સ્ટુડન્ટ્સ રહે છે. સ્ટુડન્ટ્સની રૂમોમાંથી જૂના પંખા કાઢીને એના સ્થાને સ્પ્રિંગ-લોડેડ ઍન્ટિ-સુસાઇડ ફૅન નાખવામાં આવ્યા છે. ૩૮૮થી વધુ સ્પ્રિંગ-લોડેડ ઍન્ટિ-સુસાઇડ ફેન લગાવ્યા છે. આ ફૅન નાખવાનો હેતુ એ છે કે વિદ્યાર્થી કદાચ બંધ રૂમમાં જો પંખે લટકીને આત્મહત્યાનો પ્રયાસ કરે તો પંખામાં નાખેલી સ્પ્રિંગ નીચે આવી જાય અને લાઇટ કટ થઈ જાય. પંખો નીચે આવી જાય એટલે વિદ્યાર્થીનો સુસાઇડ કરવાનો પ્રયાસ નિષ્ફળ જાય અને તેનો જીવ બચી જાય. આંધ્ર પ્રદેશના એક કેસમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યો હતો જેમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે આવું કરવું એવું લખ્યું છે એટલે એનું અમે પાલન કર્યું છે. વિદ્યાર્થીઓ આત્મહત્યા ન કરે એટલા માટે આ પંખા નાખ્યા છે.’

જો કોઈ સ્ટુડન્ટ પંખે લટકીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરશે તો પંખામાં લગાવેલી સ્પ્રિંગ નીચે ખેંચાઈ આવશે, જેના કારણે ફાંસો લાગશે નહીં; એટલું જ નહીં, પાવર કટ થઈ જશે જેથી કરન્ટ પણ નહીં લાગે.

કેવી રીતે કામ કરશે ઍન્ટિ-સુસાઇડ ફૅન?

ઍન્ટિ-સુસાઇડ ફૅનમાં ખાસ પ્રકારનું સેફ્ટી-મેકૅનિઝમ નાખવામાં આવ્યું છે. જો કોઈ પણ કારણોસર સ્ટુડન્ટ સુસાઇડ કરવા માટે ચાદર, ટુવાલ કે અન્ય એવા કોઈ કપડાથી આત્મહત્યા કરવા માટે પંખા પર એ લગાવીને પોતાની શક્તિ લગાવીને નીચે લટકવાનો પ્રયાસ કરશે કે પંખા પર અસામાન્ય વજન આપશે તો પંખામાં ઉપરની સાઇડ પર રહેલા રૉડમાં નાખેલી સ્પ્રિંગ તરત જ નીચે તરફ ખેંચાઈ આવશે જેના કારણે સ્ટુડન્ટ લટકી નહીં પડે અને ફાંસો નહીં લાગી શકે. આ ઉપરાંત આવી ઘટના સમયે પંખામાં ઑટોમૅટિક પાવર કટ થઈ જશે એટલે શૉર્ટ સર્કિટ થશે નહીં કે કરન્ટ પણ નહીં લાગે. આ ટેક્નૉલૉજી સ્ટુડન્ટ્સની સુરક્ષા વધારવા ઉપરાંત સુસાઇડ-કેસ અટકાવવામાં પણ અસરકારક સાબિત થશે.

surat Gujarat Crime gujarat gujarat news suicide Education