31 July, 2026 08:52 AM IST | vadodara | Gujarati Mid-day Correspondent
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગઈ કાલે મતદાન યોજાયું હતું.
મધ્ય ગુજરાતના વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગઈ કાલે મતદાન યોજાયું હતું. આ પેટાચૂંટણીમાં ધીમું મતદાન થયું હતું અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૩૪ ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં મતદારોની સુવિધા માટે પહેલી વાર મતદાનમથકની બહાર મોબાઇલ ડ્રૉપ બૉક્સની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મતદારોને મોબાઇલ ફોન ક્યાં રાખવો અેની મૂંઝવણ રહેતી હોય છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા અેના માટે સુવિધા ઊભી કરાઈ હતી. મતદાનમથકની બહાર એક ટેબલ પર કર્મચારીઓ બેઠા હતા જેઓ મતદારોના મોબાઇલને નંબર સાથેનું ટોકન લગાવીને બૅગમાં મૂકતા હતા અને અે નંબરનું બીજું ટોકન મતદાતાને આપતા હતા. મતદાન કરીને મતદાર બહાર આવે ત્યારે ટોકન આપીને પોતાનો મોબાઇલ પરત મેળવતા હતા. આ સુવિધાના કારણે મતદારોને રાહત થઈ હતી. લોકશાહીના આ પર્વમાં મતદાન કરવા માટે સિનિયર સિટિઝન્સ અને યુવાઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો. તેઓ મતદાનમથકો પર મતદાન કરવા પહોંચ્યા હતા. યુવા વર્ગે મતદાન કરીને લોકશાહીમાં પોતાની ફરજ બજાવી હોવાનો ગર્વ અનુભવ્યો હતો. ઘણા લોકોએ સેલ્ફી પૉઇન્ટ પર સેલ્ફી લીધો હતો. સંભવિત વરસાદને લઈને મતદારો માટે ખાસ રેઇનપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરાઈ હતી.