14 June, 2025 07:12 AM IST | Ahmedabad | Shailesh Nayak
ગઈ કાલે ઘટનાસ્થળેથી હૉસ્પિટલમાં લઈ જવાતો મૃતદેહ.
ક્ષતવિક્ષત થયેલી ડેડ-બૉડી જોઈને જીવ વિચલિત થઈ ગયા, પણ માનવતાના ધોરણે એક પછી એક ડેડ-બૉડી બહાર કાઢી : કોઈના હાથ હોય તો કોઈના પગ હોય, કોઈના માત્ર ધડ હાથમાં આવે એવા મૃતદેહ કાટમાળમાંથી કાઢીને ચાદર અને ગોદડામાં લપેટીને બહાર કાઢ્યા
અમદાવાદના મેઘાણીનગરમાં ચાની કીટલી પર ચા પીવા બેઠેલા ચાર મિત્રોએ પ્રચંડ ધડાકો સાંભળ્યો અને આગના ગોટેગોટા જોતાં એ દિશામાં મદદ માટે દોડ્યા હતા. પ્લેન-ક્રૅશની કરુણાંતિકામાં ઘટનાસ્થળે ક્ષતવિક્ષત થયેલી ડેડ-બૉડી જોઈને મદદ માટે દોડી આવેલા આ સેવાભાવીઓના જીવ વિચલિત થઈ ગયા હતા, પણ તેમણે માનવતા મહેકાવી હતી અને કાટમાળમાંથી બચાવ-કામગીરી કરી રહેલી આર્મી, પોલીસ અને ફાયર-બ્રિગેડની મદદે આવ્યા હતા.
જયદીપસિંહ ઝાલા અને હાર્દિક ગોસ્વામી.
મદદ માટે ઘટનાસ્થળે દોડી આવેલા ચાર મિત્રો પૈકી પૅરામિલિટરીમાં કામ કરતા અને હાલ રજા પર રહેલા દીપક ભદૌરિયાએ ઘટનાસ્થળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ચાર મિત્રો બપોરે કીટલી પર ચા પીતા હતા ત્યારે અમે જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો અને ચારે બાજુ ધુમાડો જોવા મળ્યો એટલે તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા જ્યાં પ્લેન-ક્રૅશ થયેલું જોવા મળ્યું હતું. અહીં તૂટી ગયેલા વિમાન અને બિલ્ડિંગના કાટમાળ નીચે દબાઈ ગયેલી લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અમે મિત્રોએ સાતથી આઠ ડેડ-બૉડી બહાર કાઢી હતી.’
એમાંના એક મિત્ર આકાશ શાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જ્યારે ઘટનાસ્થળે અંદર ગયા અને જોયું ત્યારે ચારે બાજુ આગ, ધુમાડો અને કાટમાળ જોવા મળ્યાં અને એની વચ્ચે સળગી ગયેલી હાલતમાં ડેડ-બૉડી જોવા મળી હતી. ડેડ-બૉડી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા ત્યારે કોઈ ડેડ-બૉડીનો હાથ પકડીએ તો ખાલી હાથ જ અમારા હાથમાં આવે, કોઈનો માત્ર પગ જ હાથમાં આવે. અમુક ડેડ-બૉડીને બાઇક પર મૂકીને બહાર કાઢી ઍમ્બ્યુલન્સ સુધી લઈ ગયા તો કેટલીક ડેડ-બૉડીને ગાદલામાં કે ચાદરમાં લપેટીને બહાર કાઢી હતી.’
આકાશ શાની અને દીપક ભદૌરિયા.
મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયેલા સ્થાનિક રહેવાસી હાર્દિક ગોસ્વામી અને જયદીપસિંહ ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જ્યારે ખબર પડી કે આપણા વિસ્તારમાં પ્લેન ક્રૅશ થયું છે ત્યારે તરત જ મદદ માટે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે ગંભીર પરિસ્થિતિ હતી. ડેડ-બૉડી બળી ગયેલી હાલતમાં જોવા મળતી હતી. એક તબક્કે તો એમ પણ લાગ્યું કે અમે કઈ રીતે મદદ કરીએ એવી પરિસ્થિતિ હતી. જોકે માનવતાના કામમાં પીછેહઠ ન હોય એટલે અમે પોલીસની સાથે મદદમાં લાગી ગયા અને ૧૦થી ૧૨ ડેડ-બૉડી બહાર કાઢવામાં મદદ કરી હતી.’