29 May, 2026 01:05 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં બુધવારે સાબરમતી વિસ્તારમાં બપોરે ઘરમાં સાસુ-વહુ એકલાં હતાં ત્યારે એક કારમાં આવેલી એક યુવતી સહિત ૪ લોકો સાસુને ધક્કો મારીને તેમની વહુનું બળજબરીથી અપહરણ કરીને નાસી ગયા હોવાની ઘટના બની છે. સાસુએ સાબરમતી પોલીસ-સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી છે અને એવી શંકા વ્યક્ત કરી છે કે તેમની વહુને પહેલાં જે છોકરા સાથે અફેર હતું તે છોકરાએ તેને કિડનૅપ કરી છે.
સાબરમતી વિસ્તારના મોટેરા સ્ટેડિયમ રોડ પર રહેતાં શારદા સેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બુધવારે બપોરે તે અને તેમની પુત્રવધૂ કોમલ ઘરમાં હતાં એ સમયે તેમના ઘર પાસે સફેદ કલરની એક કાર આવીને ઊભી રહી હતી. આ કારમાંથી એક છોકરી સહિત ૪ જણ નીચે ઊતર્યા હતા. એમાંથી એક વ્યક્તિએ તેમના ઘરમાં ઘૂસીને વહુ કોમલ ખાટલામાં સૂતી હતી તેની પાસે જઈને કોમલનું બાવડું પકડીને ઉઠાડી હતી. આ દરમ્યાન સાસુ શારદા સેન વહુને છોડાવવા જતાં તે વ્યક્તિએ હથિયાર જેવું કંઈક બતાવીને તેમને ધક્કો મારીને નીચે પાડી દીધાં હતાં અને તેમની વહુને ઉપાડીને ઘરની બહાર લઈ ગઈ હતી. કોમલે બૂમાબૂમ કરતાં આસપાસમાં માણસો ભેગા થઈ ગયા હતા, પણ ઘરની બહાર એક છોકરી અને બે છોકરાઓ ઊભાં હતાં તેમણે કોમલને પકડીને જબરદસ્તીથી કારમાં પાછળની સીટમાં બેસાડી હતી અને ત્યાંથી નાસી ગયાં હતાં.