23 November, 2025 11:31 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
ઉષા સોલંકી
ગુજરાતમાં મતદારયાદી માટે ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીના ભારણનો ભરડો યથાવત્ રહેવા પામ્યો છે અને SIRની કામગીરી દરમ્યાન વધુ એક કર્મચારીનું મોત થયું છે. વડોદરામાં ગઈ કાલે એક મહિલા-કર્મચારી SIRની કામગીરી કરી રહ્યાં હતાં એ દરમ્યાન ઢળી પડતાં તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે અમદાવાદમાં એક શિિક્ષકાને ચક્કર આવતાં હૉસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં.
વડોદરાના ગોરવામાં ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)માં ફરજ બજાવતાં ઉષા સોલંકી શહેરના કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં બૂથ લેવલ ઑફિસર (BLO)ના સહાયકની કામગીરી કરી રહ્યાં હતાં એ દરમ્યાન પડી ગયાં હતાં. એથી તેમને સયાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના ડૉકટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. બીજી તરફ વડોદરાના પાદરામાં BLOની કામગીરી કરતા શિક્ષક ઝુલ્ફીકાર પઠાણની શુક્રવારે સાંજે તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં બાપુનગર શાળામાં મહિલા શિક્ષિકા BLOની કામગીરીમાં જોડાયેલાં હતાં એ દરમ્યાન ચક્કર આવી જતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. તબિયત સ્થિત થતાં તેમને ઘરે મોકલ્યાં હતાં.