26 August, 2026 12:43 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરતની પોસ્ટ-ઑફિસમાં રાખડીઓનાં કવરના ઢગલા.
રક્ષાબંધનનો તહેવાર નજીક આવી પહોંચ્યો છે ત્યારે સુરત ટપાલ વિભાગે સુરતથી દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં રિયલ ટાઇમ ટ્રેકિંગ સુવિધા સાથે છેલ્લા પચીસ દિવસમાં ૧૦,૬૦૦થી વધુ રાખડીઓ સાથેનાં રાખી કવર અને પાર્સલ રવાનાં કર્યાં છે.
સરદાર વલ્લભભાઈ રીજનલ (SVR) કૉલેજ પોસ્ટ ઑફિસના પોસ્ટલ અસિસ્ટન્ટ સ્નેહલ પટેલે કહ્યું હતું કે ‘બહેનોની રાખડીઓ સુરિક્ષત રીતે તેમના ભાઈ સુધી પહોંચે અે માટે વિશેષ ડિઝાઇનર રાખડીની થીમ સાથેના વૉટરપ્રૂફ કવર, સેલ્ફ બુકિંગ અને ઑનલાઇન સ્પીડ પોસ્ટ ટ્રેકિંગ જેવી સેવાઓથી પોસ્ટ વિભાગે આ પ્રક્રિયાને સરળ બનાવી છે. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કોહીમા સુધી જ નહીં, પરંતુ વિશ્વના ૧૦૦થી વધુ દેશો સુધી ભારતીય ડાકની સેવાઓ થકી બહેનની રાખડીઓ વિદેશ પહોંચી છે. અભ્યાસ માટે કે નોકરી-ધંધા માટે દેશનાં અન્ય સ્થળોએ કે પછી વિદેશમાં રહેતા હોય તેવા ભાઈઓને તેમની બહેનો રાખડી મોકલતી હોય છે.’