10 August, 2024 12:25 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દક્ષિણ ગુજરાતના માંડવીમાં રાજ્યપ્રધાન કુંવરજી હળપતિ સહિતના આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
ગુજરાતમાં ગઈ કાલે અંબાજીથી ઉમરગામના પટ્ટામાં વિશ્વ આદિવાસી દિવસની ઉમંગભેર ઉજવણી થઈ હતી, જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે આદિવાસી કિશોરીઓએ અનોખા અંદાજમાં પરંપરાગત નૃત્ય કરીને સૌની દાદ મેળવી હતી.
સુરત જિલ્લામાં માંડવીના ધોબણી નાકે ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તેમ જ ગ્રામ વિકાસ રાજ્યપ્રધાન કુંવરજી હળપતિ અને બારડોલીના સંસદસભ્ય પ્રભુ વસાવાએ ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત વાદ્ય તેમ જ પારંપરિક ગીતસંગીતના તાલ વચ્ચે પૂજાવિધિ યોજાઈ હતી. કુંવરજી હળપતિએ આદિવાસી સમાજની પરંપરાગત પૂજાવિધિ પ્રમાણે પ્રકૃતિ-પૂજા તેમ જ આદિવાસી સમાજનાં દેવી-દેવતાઓનું પૂજન-અર્ચન કરીને પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં સાઇક્લિંગ અને રનિંગ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ૨૨૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકો દ્વારા લખાયેલા કાવ્ય-ગ્રંથનું વિમોચન કર્યું હતું.
સ્વૅગ સાથે પરંપરાગત નૃત્ય કરી રહેલી આદિવાસી કિશોરીઓ.
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, ઉચ્છલ, ડોલવણ ખાતે તેમ જ સુરત જિલ્લાના ઉમરપાડા સહિતના આદિવાસી વિસ્તારોમાં દબદબાભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી.
વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમાજના કલાકારોએ પરંપરાગત વાદ્યોની સુરાવલી સાથે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
અમદાવાદમાં આદિવાસી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી રૅલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નાગરિકો ઊમટ્યા હતા. આ રૅલી સાબરમતી આશ્રમ પાસેથી પસાર થઈ ત્યારે આદિવાસી સમાજના આગેવાનોએ આશ્રમમાં જઈને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.