28 September, 2026 09:20 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
નેપાલ
પશ્ચિમ નેપાલમાં તિબેટની બૉર્ડર નજીક આવેલા હિમલુંગ હિમાલના બેઝ-કૅમ્પમાં રવિવારે સવારે ભયાનક હિમસ્ખલન થતાં આશરે ૧૦ લોકો ગુમ થયા હતા. આ તમામ લોકો જુદી-જુદી પર્વતારોહણ કંપનીઓના છે. એક્સપેડિશનના આયોજક મિંગમા ગ્યાલજે શેરપાએ પુષ્ટિ કરી છે કે ગુમ થયેલાઓમાં તેમના રસોડાના બે કર્મચારીઓ પણ સામેલ છે.
ખરાબ હવામાનની ચેતવણીને પગલે મોટા ભાગની ટીમો અને દોરડાં બાંધનારી ટીમો પહાડીઓ પરથી નીચે આવી ગઈ હતી, પરંતુ કેટલાક લોકો ત્યાં જ રોકાઈ ગયા હતા. નેપાલના મનાંગ જિલ્લામાં આવેલો હિમલુંગ હિમાલ ૭૧૨૬ મીટરની ઊંચાઈ ધરાવે છે. ત્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ છે અને હેલિકૉપ્ટર માટે પણ કેટલીક પરવાનગી લેવી પડે છે.
નેપાલમાં ફરી ભૂસ્ખલનમાં ૧૪ લોકોનાં મોત
નેપાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે શુક્રવારથી ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહ્યાં છે. બાગલુંગ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ઘરો પાણીમાં ગરક થઈ ગયાં છે. ૧૦૦૦થી વધુ લોકોને પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે એક પરિવારના ત્રણ જણ સહિત કુલ ૧૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં.