શ્વેત હુમલાખોરનો અશ્વેતો પર ગોળીબાર, ૧૦નાં મૃત્યુ

16 May, 2022 08:21 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

હુમલાખોરે અમેરિકાની એક સિટીની સુપરમાર્કેટમાં આ હુમલાનું ઑનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું

પ્રતીકાત્મક તસવીર

ન્યુ યૉર્ક સ્ટેટના અશ્વેતોના એક વિસ્તારમાં ૧૮ વર્ષના એક શ્વેત વ્યક્તિએ ૧૦ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ઑથોરિટીઝ એને વંશવાદ પ્રેરિત હુમલો ગણાવી રહી છે.

આ ઘટના બફેલો સિટીના એક સુપરમાર્કેટમાં બની હતી કે જ્યાંથી પેટન ગેનડ્રોન નામના આ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.

આ આરોપી શનિવારે બપોરે આ સુપરમાર્કેટમાં પ્રવેશ્યો હતો. તેણે આ હુમલાનું ઑનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું.

અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને આ હુમલાને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવીને એની ટીકા કરી હતી. એફબીઆઇની બફેલો ઑફિસના અધિકારી સ્ટીફન બેલોનગિયાએ કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની વંશવાદ પ્રેરિત ઉગ્રવાદી હિંસા અને ધિક્કારપૂર્ણ અપરાધ તરીકે તપાસ કરી રહ્યા છીએ.’

આ હુમલાખોરે ગોળીબાર દરમ્યાન વંશીય અપશબ્દો બોલ્યા હતા. તેના હથિયાર પર પણ વંશીય લખાણ હતું.

બફેલોના પોલીસ કમિશનર જોસેફ ગ્રમગ્લિયાએ કહ્યું હતું કે ‘આ આરોપી લગભગ ૨૦૦ માઇલ ડ્રાઇવિંગ કરીને આ શહેરના અશ્વેતોની બહુમતીવાળા વિસ્તારમાં પહોંચ્યો હોવાનું જણાય છે. કુલ ૧૩ જણને ગોળી મારવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગના પીડિતો અશ્વેત છે.’

તેમણે વધુ જણાવ્યું હતું કે આરોપીએ ખૂબ જ તનાવભરી ક્ષણો બાદ તેનું હથિયાર સોંપી દીધું હતું અને તેને કસ્ટડીમાં લેવાયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરનારા એક નિવૃત્ત પોલીસ ઑફિસરે આ આરોપીને ગોળી મારવાની કોશિશ કરી હતી, પરંતુ તે પણ માર્યો ગયો હતો.

સ્ટ્રીટની સામે બાજુથી આ હુમલાના સાક્ષી બનનારા ગ્રેડી લેવિસે લોકલ મીડિયાને જણાવ્યું હતું કે ‘મેં એક વ્યક્તિને આર્મી સ્ટાઇલમાં વળીને લોકોને અંધાધૂંધ ગોળી મારતા જોયો હતો.’

આ હુમલા દરમ્યાન એક દુકાનમાં કામ કરતા સોનનેલ હેરિસે કહ્યું હતું કે ‘આ સુપરમાર્કેટ વીક-એન્ડના કારણે લોકોથી ખીચોખીચ હતી. એ એક દુ:સ્વપ્ન જેવું હતું.’ અમેરિકામાં આવા વંશવાદ અને ધિક્કારથી પ્રેરિત હુમલાઓનું પ્રમાણ વધ્યું છે.

international news new york