ફ્રાન્સમાં હીટવેવથી પાંચેક દિવસમાં ૧૦૦૦+ લોકોનાં મોત

29 June, 2026 11:03 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

જીવ ગુમાવનારા લોકોમાં ૮૫ ટકા ૬૫ વર્ષથી વધુ વયના વૃદ્ધો, ઘરોમાં જ તોડ્યો દમ

હાલમાં યુરોપમાં ખાસ કરીને ફ્રાન્સમાં ભયાનક ગરમી પડી રહી છે ત્યારે આઇફલ ટાવર નજીકથી પસાર થતી સેઇન નદીમાં લોકો સ્નાન કરીને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પશ્ચિમ યુરોપમાં ગરમીના તમામ રેકૉર્ડ તોડી નાખનારી ભયાનક હીટવેવને કારણે ફ્રાન્સમાં ૨૪ જૂનથી અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે જીવ ગુમાવનારા ૮૫ ટકા લોકો ૬૫ વર્ષ કે એથી વધુ ઉંમરના વૃદ્ધો છે જેમણે ભારે ગરમી અને એકલતાને કારણે હૉસ્પિટલ પહોંચતાં પહેલાં પોતાનાં ઘરોમાં જ દમ તોડ્યો હતો.

પાટનગર પૅરિસ અને એની આસપાસના વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં સ્થિતિ બેકાબૂ બની છે. પૅરિસની ૩૮ જાહેર હૉસ્પિટલોમાં ઇમર્જન્સી પ્લાન ઍક્ટિવ કરવો પડ્યો છે, જ્યાં સામાન્ય કરતાં ૩૩ ટકા વધુ એટલે કે રોજના આશરે ૩૦૦૦ લોકો સારવાર માટે ઇમર્જન્સી વૉર્ડમાં પહોંચી રહ્યા છે.

 વૈજ્ઞાનિકોના મતે આ જીવલેણ સ્થિતિ માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જના કારણે સર્જાઈ છે. જોકે ૨૦૦૩ની ઐતિહાસિક હીટવેવ (જેમાં ૧૫,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં)ની સરખામણીએ આ વખતે તબીબી સજ્જતા વધુ સારી હોવાથી મૃત્યુઆંક કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

કાળઝાળ ગરમી વચ્ચે પૅરિસના આઇફલ ટાવર પર ત્રાટકી વીજળી

એક તરફ સમગ્ર યુરોપ અત્યારે ભયાનક હીટવેવ અને અસહ્ય ગરમીથી શેકાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ફ્રાન્સની રાજધાની પૅરિસમાં રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે તોફાની અને વરસાદી માહોલ સર્જાયો હતો. આકાશમાં ગોરંભાયેલાં વાદળાં વચ્ચે એક પ્રચંડ વીજળી સીધી જ પ્રખ્યાત આઇફલ ટાવર પર ત્રાટકી હતી. ગરમીના પ્રકોપ વચ્ચે કુદરતના આ નજારાએ પૅરિસના આકાશને અદ‍્ભુત રોશનીથી ઝળહળતું કરી દીધું હતું.

સાઉદી અરેબિયામાં હેલિકૉપ્ટર અને ફ્રાન્સમાં પ્લેન ક્રૅશ, ટોટલ ૨૫ જણનાં મોત

વિશ્વભરમાં રવિવારનો દિવસ ઉડ્ડયન ક્ષેત્ર માટે ભારે અમંગળ સાબિત થયો છે. સાઉદી અરેબિયા અને ફ્રાન્સમાં સર્જાયેલા બે જુદા-જુદા ભયાનક હવાઈ અકસ્માતોમાં કુલ ૨૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

ફ્રાન્સમાં સ્કાયડાઇવિંગ પ્લેનનો અકસ્માત, ૧૧ જણનાં મોત

ફ્રાન્સના નૅન્સી શહેર નજીક આવેલા ટૉમ્બ્લેન ટાઉનમાં એક નાનું વિમાન ક્રૅશ થતાં ૧૧ લોકોનાં મોત થયાં છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ પ્લેન એક પૅરાશૂટિસ્ટ સ્કૂલનું હતું અને એ એક જૂથને લઈને સ્કાયડાઇવિંગ ટ્રિપ પર જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં વિમાનના પાઇલટ ઉપરાંત પાંચ વિદ્યાર્થીઓ અને પાંચ ઇન્સ્ટ્રક્ટર્સ સહિત તમામ ૧૧ લોકોનાં મોત નીપજ્યાં છે.

સાઉદી અરામકોનું હેલિકૉપ્ટર ક્રૅશ,  ૧૪ જણનાં મોત

પહેલી ઘટના સાઉદી અરેબિયાના પૂર્વીય શહેર રાસ તનુરામાં બની છે. અહીં સાઉદીની સરકારી ઑઇલ કંપની સાઉદી અરામકોનું એક હેલિકૉપ્ટર રવિવારે સવારે ૬ વાગ્યે ક્રૅશ થયું હતું. સાઉદી ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં હેલિકૉપ્ટરમાં સવાર તમામ ૧૪ લોકોનાં મોત થયાં છે અને આ તમામ સાઉદી અરેબિયાના જ નાગરિકો હતા. રાસ તનુરા વિશ્વની સૌથી મોટી ઑઇલ રિફાઇનરી અને નિકાસ ટર્મિનલ પૈકીનું એક હોવાથી દેશનું વ્યૂહાત્મક કેન્દ્ર છે. ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.

international news world news saudi arabia france plane crash